- બહુ રામ.. રામ.. થાય એટલે ચૂંટણીમાં લાભ
- સાધુ-સંતો, યોગી આદિત્યનાથ વગેરે ડિસેમ્બરમાં જંગ છેડી શકે છે
બહુ રામ.. રામ.. રામ થાય એટલે સમજવું કે ચૂંટણી આવી રહી છે. અયોધ્યામાં રામમંદિરનો ચુકાદો વહેલો-મોડો ભાજપની તેમજ બહુમતી હિન્દુઓની તરફેણમાં આવવાનો હોય એવો સંકેત મળી રહ્યો છે. સુપ્રીમના ચુકાદાથી નારાજગી વધી છે. દરેક વટહુકમ લાવવા કહે છે.
રામમંદિર એ ધર્મભાવનો મુદ્દો નથી પણ સત્તાભાવનો મુદ્દો છે. ચૂંટણીની વૈતરણી પાર કરવા માટેનું આ બ્રહ્માસ્ત્ર ભાજપને ફરી સત્તાની દિશામાં ખેંચી જશે તે પણ નક્કી છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે વટહુકમ કે અન્ય કોઇ નિર્ણય આવતાં પહેલાં જ ચોમેર ઢોલ-નગારા અને દુદુંભીઓ ગાજી રહ્યા છે, તો ચુકાદો પોઝીટીવ આવશે ત્યારે શું થશે ? દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પણ સ્તબ્ધ છે કેમકે તે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી શક્યું નથી.
સબરીમાલા મંદિરના ચુકાદાની સ્થિતિ આગળ ધરીને ભાજપ પ્રમુખ અમિત શાહ પણ ખુલ્લં-ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. તેમણે પ્રજા તરફી ચુકાદા આપવા જોઇએ એવો મત રજૂ કરી દીધો છે. ભાજપના પ્રમુખની ચૂંટણી વ્યૂહરચનાનો એક ભાગ રામમંદિર છે. આ શસ્ત્ર ચલાવવાની ભાજપને ફાવટ આવી ગઇ છે.
અયોધ્યામાં રામમંદિર એ એક એવું પોલીટીકલ મેગ્નેટ છે કે તેમાં ભાજપના વિરોધીઓ જાણે - અજાણે સ્વાહા થઇ જશે. હિન્દુ મતદારોને પોતાની તરફ ખેંચાયેલા રાખવા આ મેગ્નેટનો ઉપયોગ છેલ્લા પાંચ વર્ષથી થઇ રહ્યો છે.
રામમંદિરની થોડી ચહલ-પહલ માત્રથી ભાજપને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની ચૂંટણીઓમાં લાભ થશે. જે દિવસે મોહન ભાગવતે આદેશના સૂરમાં કાયદો બનાવીને રામમંદિર ઊભું કરો તેવું કહ્યું તે દિવસથી જ ચૂંટણીનો ગુલાલ ઉડવો શરૂ થઇ ગયો હતો.
હિન્દુ સંગઠનોએ એવો માહોલ ઊભો કરી દીધો છે કે જાણે તે જીતી ગયા છે. એ દિવસ લોકોને યાદ હશે કે જ્યારે બાબરી ધ્વંસની ઘટના બની હતી ત્યારે લાઇવ ટીવી નહોતા કે નહોતું સોશ્યલ નેટવર્ક કે મોબાઇલ !! ટેલિગ્રાફીક મેસેજ પર ધ્યાન આપવું પડયું હતું. ત્યારે ઉત્તર પ્રદેશની સરકાર હિન્દુ સંગઠનો તરફ રહી હતી.
કેન્દ્રમાં કોંગ્રેસના નરસિંહરાવની સરકાર હતી. આ વખતે કેન્દ્રમાં હિન્દુવાદી સરકાર છે, તો ઉત્તર પ્રદેશમાં સતત હિન્દુનું ઢોલ પીટતા યોગી આદિત્યનાથ છે.
એ પણ હકીકત છે કે છેલ્લા પંદર દિવસમાં ભાજપે બે ચાલ ચાલી છે. એક તો સરદાર પટેલને હાઇજેક કરી તેમના પર પોતાનો સિક્કો મારી દીધો હતો તે બીજી તરફ રામમંદિરના સંભવિત ચુકાદાની સ્થિતિને હાઇજેક કરી હતી. આ બંને સિધ્ધિ ભાજપે વ્યવસ્થિત વ્યૂહરચના અને કોંગ્રેસને અન્ય કામોમાં ગૂંચવી રાખીને મેળવી છે. કોંગ્રેસના નેતાઓના માનસને ભાજપ ઓળખી ગયું હોય એમ લાગે છે.
રામમંદિરનો ચુકાદો આવતાં હજુ વાર લાગશે પણ ભાજપે એવો દેકારો ઊભો કર્યો છે કે જાણે તેમની તરફેણમાં ચુકાદો આવવાનો હોય !! એક તબક્કે ભાજપ મૂંઝવણમાં છે. સંઘ અને તેના સંગઠનો લડાયક મીજાજમાં છે જ્યારે ભાજપની પીન સુપ્રીમના ચુકાદા પર ચોંટી ગઇ છે.
જો ચુકાદો નેગેટીવ આવે કે ટલ્લે ચઢાવવામાં આવે તો પણ ભાજપ હિન્દુઓને વધુ સંગઠીત કરી શકશે અને જો પોઝીટીવ ચુકાદો આવશે તો દેશભરમાં ભગવા રથો ફરતા થઇ જશે. ભાજપની આ વ્યૂહરચના પાછળ સંઘનું ભેજું કામ કરી રહ્યું છે.
એમ લાગે છે કે કોઇ ચોક્કસ વ્યૂહરચના પ્રમાણે સંઘ સુપ્રિમો મોહન ભાગવતે સરકારને રામમંદિર માટે કાયદો બનાવવાનું કહ્યું છે. તેમના સૂરમાં સૂર મેળવવા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મેદાનમાં આવ્યા છે. ગીરીરાજ કિશોર જેવા નેતાઓ તો નિવેદનો આપવા ટાંપીને બેઠા હોય છે.
સાધુ - સંતો મેદાનમાં આવી ગયા છે. ડિસેમ્બરની તારીખો બહાર આવી રહી છે. ચોક્કસ સ્થિતિ કોઇ જાણતું નથી. જ્યારે ૧૯૯૨ની સ્થિતિ લાવવાની વાત કરાય છે ત્યારે અશાંતિના ભણકારાના સંકેત પણ મળી રહ્યા છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment