- ડીજીટલ કોમ્યુનિકેશને દિવાળી છીનવી લીધી છે
- મોંમાં ઓગળે એવા ઘૂઘરાની રેસીપી યુ-ટયુબ પર જોવા મળે છે પણ ટેસ્ટ નથી હોતો
બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સાલમુબારક પાઠવવા આવતા સંબંધીઓ માટે દરેક ઘરમાં એક વિશિષ્ઠ થાળી ઢાંકીને રાખવામાં આવતી હતી. જેમાં વિવિધ વાટકીઓ-બાઉલ રખાતા અને દરેકમાં એક ચમચી રખાતી હતી.
નાની વાટકીમાં ચેવડો, તીખી સેવ રખાતા હતા અને મોટા બાઉલમાં ઘેર બનાવેલા ઘૂઘરા, મગસ કે મોહનથાળના પીસ રખાતા હતા.
આ ઉપરાંત ઘરની ઉત્સાહી ગૃહિણીઓ દ્વારા બનાવેલ અનારસા; ઘારી કે; ચણાના લોટની ચકરી જેવી આઇટમ રાખવામાં આવતી હતી.
આ વાત ભૂતકાળની છે. જેમ જેમ લોકો વચ્ચે કોમ્યુનિકેશન ઘટતાં ગયા એમ એમ બેસતા વર્ષમાં નૂતન વર્ષાભિનંદનનો માહોલ પણ ઘટતો ગયો છે. ડીજીટલ કોમ્યુનિકેશન તેમજ સોશ્યલ નેટવર્કના કારણે સાલમુબારક કરવા લોકોના ઘેર રૂબરૂ જવાનું લગભગ બંધ કરે છે.
ગામડા અને ટાઉન લેવલે લોકો સાલમુબારક પાઠવવા લોકોના ઘેર રૂબરૂ જાય છે અને મોં મીઠું કરે છે. નવા વર્ષ દરમ્યાનની બે દિવસની રજા ખાસ કરીને બેસતું વર્ષ અને ભાઇબીજની રજાઓ ઘરમાં આરામ કરીને પસાર કરાય છે.
નૂતન વર્ષ અભિનંદન એ પણ લખેલું બોન્ડીંગ છે. વર્ષ સુખ-સંપત્તિ-સમૃધ્ધિ ભરેલું જાય એવી શુભેચ્છા સૌ એકબીજાને પાઠવે છે. રૂબરૂ મળવું અને વૉટ્સઅપ પર મેસેજ મોકલવો તેમાં આસમાન-જમીનનો ફર્ક છે.
આ સ્થિતિના કારણે શુભેચ્છાના પ્રતિકરૂપે ધરવામાં આવતી વાનગીના થાળમાંથી આઇટમો પણ ઓછી થવા લાગી અને ક્યાંક તો આખી થાળી જ અદ્રશ્ય થવા લાગી છે. આ થાળીમાં ઘૂઘરા જોવા મળે છે પણ ઘેર બનાવેલા મોહનથાળ, મગસ કે અનારસા જેવી ચીજો લગભગ અદ્રશ્ય થઇ ગઇ છે. એમ પણ કહી શકાય કે અનારસા કે મોંમાં મૂકીએ ને ઓગળે એવા ઘૂઘરા પણ અદ્રશ્ય થઇ ગયા છે.
આવી સ્પેશ્યલ આઇટમો બનાવતી ગૃહિણીઓની આખી પેઢી અસ્ત પામી છે એમ કહી શકાય. ઘૂઘરા તો દરેક ઘરની ખાસ વાનગી બની ગઇ હતી. પોતે ઘૂઘરા કેવી રીતે બનાવ્યા અને અંદરના પૂરણમાં શું નાખ્યું છે તેની વાતો અસ્ખલીત કહે છે.
અનારસા નામની મીઠાઇ પણ એક-એક કૂંચી બાઇટ સાથે મોંમાં ઓગળે છે. આ બાઇટ સાથે અનારસામાંની ચાસણી મોંમાં છૂટે છે. આ આઇટમ લગભગ જોવા મળતી નથી.
એવી જ રીતે મોંમાં ઓગળે એવા ઘૂઘરા ભાગ્યે જ જોવા મળે છે. ઘૂઘરાની કાંગરી બહારની શોભા વધચારે છે જ્યારે અંદરનું ફીલીંગ તેનો સ્વાદ વધારે છે. હવે આ ઘૂઘરા પ્રાઇવેટમાં મળે છે. પ્રાઇવેટ ટ્રસ્ટો પણ ઘૂઘરા બનાવવામાં વેઠ ઉતારે છે. ઘણી વાર ત્યાંના ઘૂઘરા દાંતથી પણ ના તૂટે એવા હોય છે.
પોચા ઘૂઘરા બનાવવા તેમજ તેના પર કાંગરી પાડવાની પણ એક કળા હોય છે. આ કળા અદ્રશ્ય થઇ ગઇ છે. હવે દિવાળીની થાળીમાં ઘરમાં બનાવેલ આઇટમોનું મહત્વ હોય છે પરંતુ કોઇ તેને ગંભીરતાથી લેતું નથી.
નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે બે સળંગ રજા મળતી હોવાથી લોકો પોતાના ઘેર આવતા શુભેચ્છા પાઠવનારાઓથી દૂર કોઇ હીલ સ્ટેશન પર જઇને રહે છે. ઘોંઘાટથી માણસ દૂર ભાગે છે પરંતુ ક્યાં સુધી ? હીલ સ્ટેશનો પણ દિવાળીના દિવસોમાં ચક્કા જામ હોય છે. રોગચાળાનો ડર પ્રવર્તે છે.
દિવાળીની રજાઓમાં ડીજીટલ કોમ્યુનિકેશન બંધ કરીને બાજુમાં રહેતા પાડોશી સાથે રેપો વધારવાની વાત થાય છે. ડીજીટલ કોમ્યુનિકેશનના કારણે ફીજીકલ કોમ્યુનિકેશન બંધ થઇ ગયું છે. બેસતા વર્ષના થાળમાં મૂકાતી વાનગીઓ પૈકી ૮૦ ટકા તૈયાર આવતી થતાં તેમાંનો સ્વાદ પણ ઊડી ગયો છે.
નવા વર્ષની શુભેચ્છા સાથે રસભરી વાનગીઓની બાદબાકી આઘાતજનક છે. આ પ્રથા નવેસરથી શરૂ કરવી જોઇએ. મોટા શહેરોમાં બેસતા વર્ષની શુભેચ્છાનો આનંદ ડીજીટલ કોમ્યુનિકેશને આંચકી લીધો છે.
ફરી જુની પ્રથા શરૂ કરવા પ્રયાસ કરવાની જરૂર છે. સામાવાળાને શુભેચ્છા આપવાથી વધતા મનમેળની પણ ગણત્રી કરવી જોઇએ.ફરી બેસતા વર્ષની વાનગીઓ ઘેર બનાવવાની પ્રથા તેમજ રૂબરૂ મળવાની પ્રથા શરૂ કરવાના પ્રયાસો કરવા જોઇએ. હજુ કેટલાક પરિવારો છે ખરા જ્યાં લોકો રૂબરૂ મળીને સંપર્ક રાખવામાં માને છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment