નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચે ગજગ્રાહ: વિપક્ષો ગેલમાં

ગવર્નર ઉર્જીત પટેલ સ્વતંત્રતા ઇચ્છે છે
સરકાર પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી અને ઉર્જીત પટેલને જવાબદાર ઠેરવવા જાય છે

ગુજરાતી છે માટે હોંશિયાર છે એવા દંભમાંથી બહાર નીકળવું જોઇએ. ગુજરાતી પર ભરોસો મુકી શકાય પરંતુ શ્રેષ્ઠ જ છે એવો દાવો ના કરી શકાય. 

વેપાર અને સરકારી વહિવટમાં લાંબો ફર્ક છે. ગુજરાતીઓ વેપારમાં અનોખી સૂજ-બૂઝ ધરાવે છે પરંતુ સરકારી વહિવટમાં તે ગોથા મારે છે. 

જ્યારે ઉર્જીત પટેલને રિઝર્વ બેન્કનું સુકાન સોંપાયું ત્યારે એમ લાગતું હતું કે આ ગુજરાતી ચમત્કાર કરી બતાવશે. પરંતુ તેમના વહિવટના ત્રણ વર્ષના અંતે તે નાણામંત્રાલયને દોષી ગણવાને પોતાનું ગૌરવ સમજે છે.

ખાડે ગયેલા બેન્કીંગ ક્ષેત્રની સ્થિતિ કફોડી બની રહી છે. રિઝર્વ બેંકનું કોઈ નિયંત્રણ બેન્કો પર નથી. મોટી બેન્કોએ પોતાની રીતે વહિવટ કરીને જે જંગી નોનપરફોર્મીંગ એસેટ (NPA) ઉભી કરી છે તે હવે સમગ્ર અર્થતંત્રને ભીંસમાં લઇ રહ્યું છે. આ ભીંસના કારણે તો નાણામંત્રાલય અને રિઝર્વ બેન્ક બંને એકબીજા સામે શિંગડા ભરાવી રહ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલ સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શક્તા નથી. ઉર્જીત પટેલ કોઈ ચમત્કાર પણ બતાવી શક્યા નહોતા.

રઘુરામ રાજન જ્યારે ગવર્નર હતા ત્યારે તે એરોગન્ટ હતા. યુપીએ સરકાર પણ તેમનાથી દુર રહેતી હતી. એટલે જ એનડીએ સરકારે તેમના નામ પર છેકો મુકી દીધો હતો. એનડીએ સરકારે આયોજન પંચના વડા મોન્ટેક સિંહને પણ હટાવી દીધા હતા. રઘુરામ રાજન અને મોન્ટેકસિંહ બંને સકારને કોઈ બ્રીફીંગ કરતા નહોતા.

એનડીએ સરકાર પોતાના તાલ સાથે તાલ મીલાવનારને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રાખવા માગતી હતી. ઉર્જીત પટેલમાં આવા ગુણો હોવાનું મનાતું હતું. સરકારે અને આરબીઆઈ એમ બંનેની વચ્ચે તાલમેલ જરૂરી છે. જો કે તેમ છતાં આ થિયરી ઉર્જીત પટેલના કેસમાં કામ આવી નહોતી.

સરકાર અને ઉર્જીત પટેલના વચ્ચેના મતભેદો અચાનક જ સપાટી પર નથી આવ્યા. નોટબંધીથી આ કોલ્ડવોર ચાલી આવતી હતી. ખાડે ગયેલા અર્થતંત્ર માટે રિઝર્વ બેન્કને જવાબદાર ગણાવતાં જ આ કોલ્ડવોર સપાટી પરઆ વી ગઇ હતી.

રઘુરામ રાજન દૂર બેઠા-બેઠા વારંવાર રિઝર્વ બેંક તેમજ ભારતના આર્થિક તંત્ર અંગે ટીકાટીપ્પણ કર્યા કરે છે. ઉર્જીત પટેલ અને નાણામંત્રાલય વચ્ચેના ડખામાં પણ તે સલાહ આપવા કૂદી પડયા છે. જો કે રઘુરામ રાજનના શાસન કાળમાં જ કોર્પોરેટ ગૃહોને જંગી લોન અપાઈ હતી. 

આ લોન પાછી મેળવવા પણ કોઈ કડક પગલાં લેવાયા નહોતા. રઘુરામ રાજન ભલે આર્થિક ક્ષેત્રના નિષ્ણાત હોય પણ બેંકોની બેડલોન અને ખાડામાં જાય એવું ધીરાણ રોકી શક્યા નહોતા. વર્તમાન જંગી એનપીએ માટે રઘુરામ રાજન જવાબદાર છે એવા આક્ષેપો અનેકવાર થઇ ચૂક્યા છે.

નાણામંત્રાલયના સલાહકારો સંઘ વિચારસરણીવાળા છે. મનમોહનસિંહની સરકાર વખતે ઝોલાવાળા (ડાબેરી વિચારવાળા) આર્થિક સલાહકારો તરીકે ઘૂસી ગયા હતા. તેમના ઇશારે આર્થિકતંત્ર ચાલતુ હતું. યુપીએ સકાર જ્યારે ડાબેરી પક્ષોના ટેકાની પકડમાંથી મુક્ત થઇ પછી સૌ પ્રથમ ડાબેરી આર્થિક સલાહકારોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. વર્તમાન મોદી સરકારના આર્થિક સલાહકારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાવાળા છે.

ભારતનું આર્થિક તંત્ર ક્યારેય સીધીરેખામાં ચાલ્યું નથી. આર્થિક સુધારાના જનક ગણાતા વડાપ્રધાન મનમોહનસિંહ અનેકવાર આર્થિક ભીંંસમાં અટવયેલા છે. 

સત્તા પર નથી ત્યારે આર્થિક તંત્રના સુધારા માટે ડાહી-ડાહી સલાહ આપનાર પી.ચિદમ્બરમ્ પણ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લઇ શક્યા નહોતા. ભારતના આર્થિકતંત્રની કમનસીબી એ છે કે તેના પર બોજ વધતો જાય છે. એકતરફ આયાત ઘટી છે તો બીજી તરફ ડોલર સામે રૂપિયો સાવ લૂલો બની ગયો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના કારણે સરકારની આવક વધી છે પરંતુ તેના ગૂંચવાડા ભર્યા અમલીકરણથી લોકોની સમસ્યા વધી છે.

રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલય વચ્ચેની ચડભડથી વિરોધપક્ષોના હાથમાં વિવાદનું એક વધુ રમકડું આવી ગયું છે. આર્થિક ડામાડોળ સ્થિતિનો સ્વીકાર કરવા સરકાર તૈયાર નથી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષનું અમલીકરણ ગૂંચવાડાભર્યું છે એમ પણ સ્વીકારવા સરકાર તૈયાર નથી.

ડામાડોળ આર્થિક તંત્ર મંદીને કંકોત્રી સમાન છે. મંદીનો માહોલ તો બજારોમાં જોવા મળે છે. પરતુ રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલય વચ્ચેનો ગજગ્રાહ બજારમાં ડરનો માહોલ ઉભો કરશે.

- પ્રસંગપટ

Comments