મેનકા કેન્દ્રીય પ્રધાન છે માટે તે વિરોધ કરી શકે પણ એનીમલ રાઈટ્સને કોઈ ગણકારતું નથી
માણસખાઉ વાઘણ અવનીના મોત પાછળ મેનકા ગાંધીના આંસુ એ કરૂણા નથી પણ નર્યો દંભ છે. મેનકા ગાંધી કેન્દ્રીય પ્રધાન છે માટે તેમના વિરોધીને કરૂણા સાથે સરખાવાય છે પરંતુ હકીકત એ છે કે વાઈલ્ડ લાઈફનો વ્યવસ્થિત રીતે ખાત્મો બોલાવાઈ રહ્યો છે અને ભારતની તમામ સરકારોએ તમાશો જોયા કર્યો છે.
વાઘણ અવનીને બચાવી શકાઈ હોત એ વાત સાથે સૌ સંમત છે પરંતુ નરભક્ષી વાઘણને છોડવા અસરગ્રસ્ત લોકો તૈયાર નહોતા. જંગલી પ્રાણીઓ જ્યારે માનવલોહી ચાખી જાય છે ત્યારે તે વધુ ઝનૂની બની જાય છે.
આપણે માનવભક્ષી વાઘણને મારીને છૂટકારો મેળવ્યો છે પણ પ્રાણીભક્ષી માનવોનો વધારો થઇ રહ્યો છે. રોજ લાખો મૂંગા પશુઓને રહેંસી નાખીને માણસ તેને પોતાનો ખોરાક બનાવે છે. બે રોકટોક ચાલતા કતલખાના એ આપણા સભ્ય સમાજની શરમ છે છતાં આપણી બે શરમીમાં વધારો થઇ રહ્યો છે.
ફેન્ટમ-વૈતાલની બાળવાર્તાઓમાં નરભક્ષી વાઘ વગેરેની સ્ટોરીઓની સાથે-સાથે શાકાહારી પ્રાણીઓનો પણ ઉલ્લેખ આવતો હતો.
કતલખાને ખેંચી જવાતી ગાયો અંગે વર્ષોથી વિવાદ ચાલતો આવે છે. નબળા કાયદાથી કંટાળીને ગૌરક્ષકો હાથમાં દંડો લઇને મેદાનમાં આવ્યા હતા. પ્રજા એટલી વિચિત્ર છે કે ઊંટનું માંસ ખાય છે. રણનું વાહન ઊંટની સંખ્યા ઓછી થઇ રહી છે. પાકિસ્તાન રણની દિશામાંથી હુમલો કરે તો રણના વાહન ઊંટની અછતથી જોખમ ઊભું થઇ શકે છે.
તાજેતરમાં ચીને તેની માંસાહાર ખાવાની પોલીસીમાં એવી રીતે ફેરફાર કર્યો છે કે જેના કારણે અપ્રાપ્ય જીવો દાણચોરી દ્વારા ચીન પહોંચાડાય છે. આપણા પાડોશી દેશ ચીનમાં કૂતરા મોકલાય છે.
ગાયના માંસની નિકાસમાં પણ ભારત અગ્રેસર છે એમ પ્રાણીઓના અંગોની દાણચોરીમાં પણ ભારત અગ્રેસર છે. નિર્દોષ જીવોના માંસ, હાડકા અને ચામડામાંથી કમાણી કરતો મોટો ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે.
કર્ણાટકના ગામડાઓમાં તોફાન મચાવતા હાથીને ઠાર મારવામાં આવે છે તો બીજી તરફ રેલવે ટ્રેક પર કપાતા હાથીઓના અહેવાલો કમકમાટી ઉપજાવે એવા હોય છે. ભારતનાં વાઇલ્ડ લાઇફની નિકાસ ચીનમાં થઇ રહી છે. આ એક એવો દેશ છે કે જે બધું સ્વાહા કરી જાય છે.
મેનકા ગાંધીની બૂમરાણ એટલા માટે સંભળાય છે કે તે કેન્દ્રીય પ્રધાન છે. પ્રાણીઓના હક માટે લડત ચલાવતી સંસ્થાઓ તરફ ભારતની તમામ સરકારોએ જડ વલણ બતાવ્યું છે.
મેનકા ગાંધીએ જેવો અવનીનો મુદ્દો ઉછાળ્યો કે તરત જ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પણ તેમના ટેકામાં કૂદી પડયા હતા. રાહુલનો તકવાદ જોઈ મેનકા ગાંધીએ પીછેહઠ કરી હતી. બીજી તરફ મહારાષ્ટ્રની સરકારે તપાસપંચ નીમીને મામલો ઠંડો પાડી દીધો હતો. જો કે માણસખાઉ અવની વાઘણને બચાવી શકાઈ હોત તે વાત સાથે સૌ સંમત પણ થઇ રહ્યા છે.
મેનકા ગાંધીનું પોતાનું એનીમલ હેલ્થ કેર સેન્ટર છે. પ્રાણીઓની ક્ષમતા પર તે સંશોધનાત્મક લેખો લખે છે. તેમનો પ્રાણી પ્રેમ પણ આવકાર્ય છે. ભારતના મેટ્રો સીટીમાં ડૉગના સલૂન અને ડૉગની હોસ્ટેલો જોવા મળે છે. આપણે પરંપરાગત રીતે ગાય-કૂતરાનું ખાવાનું અલગ કાઢતા આવીએ છીએ. ગાયને શુકનીયાળ માનવામાં આવે છે તો ડૉગને વફાદાર મનાય છે.
પ્રાતઃસ્મરણીય ભગવાન દત્તાત્રેયે કહેલા ૫૨ ગુરૂઓમાં ગાય-કૂતરા-સાપ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના દરેક દેવી-દેવતાઓનું વાહન પ્રાણીઓ છે.
ભગવાન કૃષ્ણે જે ગાયોને સાચવવા ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તે ગાયો આપણા દેશમાં કપાતી આવે છે. વાઈલ્ડ લાઈફના રક્ષણ માટેના કાયદાને કોઈ ગણકારતું નથી.
કાળીયારના કેસમાં જ્યારે ટોચના બોલીવુડ એકટર્સને છોડી મુકાયા ત્યારે પ્રજાના આક્રોશ સાથે મેનકા ગાંધી સહિતના કોઈ કેન્દ્રીય પ્રધાન જોડાયા નહોતા.
પાયાની સ્થિતિ પશુ-વિરોધી છે. મનુષ્ય એમ સમજતો આવ્યો છે કે પૃથ્વી તેના એકલાની છે પરંતુ તેને એ ખબર નથી કે પૃથ્વી પરનું વાતાવરણ અને પર્યાવરણ બંને જીવ-જંતુથી માંડીને વાઇલ્ડ લાઇફ પર આધારીત છે. એક તરફ મનુષ્ય જંગલોનો નાશ કરતો થયો અને બીજી તરફ આખું ઋતુચક્ર બદલાઈ ગયું. માણસ વાઈલ્ડ લાઈફનું મહત્ત્વ સમજતો નથી કેમ કે તે સ્વાર્થી છે. વાઘણના મૃત્યુ પરના આંસુ દંભી એટલા માટે છે કે રોજે રોજ વાઘણરૂપી અનેક પ્રાણીઓનું નિકંદન નીકળી રહ્યું છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment