લાલચ નામના વિશાળ ખેતરમાં પ્રસરતાં બંટી-બબલીના ટોળાં

વધુ કમાણી મેળવવા જોખમ લેવાય છે
સ્કાય-પીએ કરેલી ઓનલાઇન છેતરપિંડી દર્શાવે છે કે બુધ્ધિજીવીઓ પણ ફસાય છે

પૉન્ઝી સ્કીમનું કૌભાંડ ફરી એકવાર સપાટી પર આવ્યું છે. વધુ વ્યાજ લેવાની લાલચ માનવ માત્રમાં હોય એ સ્વભાવિક છે પણ દરેકે આર્થિક બાબતોએ જાગૃતિ કેળવવાની જરૂર છે. 

રાજકારણીઓ કરતાં પણ વધુ ચાલાક આ પૉન્ઝી સ્કીમ ચલાવનારા હોય છે. રાજકારણી મતદારને પટાવી શકતો નથી જ્યારે આ પૉન્ઝી સ્કીમના સંચાલકો માત્ર પંદર મિનિટમાં રોકાણકારોને પટાવી લે છે. 

રોકાણકારોને વધુ લાલચ આપીને, ચક્રવૃધ્ધિ વ્યાજના આંકડા બતાવીને તેમજ પોતાના મળતીયાઓના ફોન નંબર આપીને વિશ્વાસ જીતવામાં આવે છે.

પૉન્ઝી સ્કીમની સરકારી ચોપડે પાકી નોંધ હોય છે. એકાદ કંપની ઊભી કરીને પોતે આર્થિક સલાહકાર છે એમ દર્શાવાય છે. કંપનીનું રજીસ્ટ્રેશન, જીએસટી નંબર, સરકારની એકાદ સ્કીમનો ઉલ્લેખ, સંચાલકોને મળતા એવોર્ડના ફોટા વગેરે દર્શાવીને રોકાણકારોનો વિશ્વાસ જીતાય છે. લોકો આવી વ્યક્તિને હાથ મીલાવવા શરૂઆતમાં પડાપડી કરે છે પણ જ્યારે ફસાય છે ત્યારે તેને બે હાથ જોડીને પૈસા પાછા આપવા કહે છે.

છેતરપિંડી કરનારા વિવિધ રૂપમાં સમાજમાં ફરતા હોય છે. કેટલાંક ગરીબોને અનાજ આપવાની સ્કીમ ચલાવે છે, તો કેટલાંક ફી-માફીની સ્કીમ ચલાવે છે. દાનમાં આપેલો પૈસો સરકારે ગરીબોને મોકલેલી રાહત જેવો છે. 

સરકાર ગરીબો માટે ૧૦૦ રૂપિયા મોકલે તો ગરીબ પાસે માંડ ૧૦ રૂપિયા પહોંચે છે એવું દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી જાહેરમાં કહી ચૂકયા છે. ચેરીટેબલ ટ્રસ્ટોના હિસાબોનું ક્રોસ વેરીફીકેશન શરૂ થયું એટલે ઘણાંએ પાટીયા પાડી દીધા હતા.

ઓનલાઇન છેતરપિંડી કરતી સ્કાય-પીમાં ઘણાં સંડોવાયા હતા. લોકો એક લાખ રૂપિયા હરખથી ભરતા હતા અને તેમના ખાતામાં દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા સીધા જ જમા થઇ જશે એમ કહેવાતું હતું. આ દસ હજાર અગિયાર મહિના માટે કરવાનું પ્રોમિસ અપાતું હતું. 

એટલે કે ૧૦ ટકા વ્યાજ છૂટે !! શરૂઆતમાં લોકોને નિયમિત ૧૦,૦૦૦ મળવા લાગ્યા એટલે ભરોસો બેસવા લાગ્યો હતો. થયું એવું કે બીજા તબક્કાના રોકાણકારોને છ મહિના સુધી દસ હજાર જમા થયા એટલે કે ૬૦,૦૦૦ આવ્યા પછી લોચા શરૂ થયા હતા. બાકીના ૪૦,૦૦૦ લોકોના ડૂબ્યા હતા. સ્કાય-પીના આ કૌભાંડમાં ઘણાં ફસાયા હતા. સ્કાય-પીના સંચાલકો જેલમાં છે અને રોકાણકારો પોતાને ગાલે તમાચો માર્યા કરે છે.

સ્કાય-પી વાળાએ તો કોઇ એજન્ટ નહોતા રાખ્યા, ઓન લાઇન છેતરપિંડી કરી હતી. સર્ફીંગ કરનારાઓએ પ્રચાર કર્યો હતો. દસ ટકા વાળી વાત દરેકને ગળે ઉતરતી નહોતી પરંતુ શરૂઆતના રોકાણકારોના નામ, ફોન નંબર આપીને વિશ્વાસ જીતાયો હતો.

પૉન્ઝી સ્કીમમાં ફસાયેલાઓ સ્કીમના સંચાલકો ભલે જેલમાં હોય પણ જે લોકો લૂંટાયા તે ઓનલાઇન હતા એટલે કે બુધ્ધિજીવી હતા એમ કહી શકાય. જો બુધ્ધિજીવીઓને છેતરી શકાતા હોય તો પછી કોમનમેન એવા ૬૦ ટકા લોકો તો આસાનીથી પૉન્ઝી સ્કીમના ટ્રેપમાં ફસાઇ જાય છે.

જોકે સાવ નિરાશાજનક સ્થિતિ નથી. દાનમાં આપેલો રૂપિયો 'નેકી કર દરીયા મેં ડાલ' જેવો છે પરંતુ પૉન્ઝી સ્કીમનો રૂપિયો તો 'આ બૅલ મુજે માર' જેવો છે. માણસ લાલચ રોકી શકતો નથી અને પૉન્ઝીની ચુંગાલમાં ફસાય છે.

અહીં દાનનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે સોશ્યલ નેટવર્ક અને સમાજસેવા એ જ પ્રજાની વચ્ચે ઘૂસવાનો ઉત્તમ માર્ગ છે. સમાજની વચ્ચે રહીને ઊંચા આવવા મથતા લોકો પર પ્રજા વિશ્વાસ મુકે છે. 

વિનય શાહ અને ભાર્ગવી શાહ જેવું ક્લબ તો રાધા-કૃષ્ણની જોડી સમાન છે એમ લોકો માનવા લાગે ત્યારે વિનય શાહમાં રહેલો કંસ બહાર આવે છે અને જેને રાધા-કૃષ્ણની જોડી મનાતી હતી તે કંસ-પુતનાની જોડી બની જાય છે.

જે લોકોના નાણાં પૉન્ઝી સ્કીમોમાં ફસાયા છે તે પોતાની ભૂલ અને નાસમજને વાગોળ્યા કરે છે. રોકાણ માટેના વચેટીયા એજન્ટો પણ ભાગતા ફરતા હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નાણાં મંત્રાલય, જાગૃત સમાજ કે આર્થિક જાગૃતિના લેખો દ્વારા પૉન્ઝી સ્કીમના વિષચક્ર અંગે વારંવાર સમજ આપવા છતાં લોકો ફસાય છે અને અંતે દોષનો ટોપલો સરકાર પર ઓઢાડે છે.

બંટી-બબલીઓ વારંવાર પ્રકાશમાં આવે છે કેમકે કોમનમેનની લાલચને તે ઓળખે છે. આવા બંટી-બબલીઓ રાતોરાત તૈયાર નથી થતા પણ તે વગદાર તેમજ માથાભારે લોકોનો ટેકો મેળવીને પૈસાની ખેતી શરૂ કરે છે.

- પ્રસંગપટ

Comments