ઑનલાઇન ખરીદી જોખમી બની શકે છે: હેકર્સ લાભ ઉઠાવે છે

હેકર્સ ગ્રુપ મેગાકાર્ટે નવ મિલિયન એટેક કર્યા




બ્લેક ફ્રાય-ડે અને સાયબર મન્ડે સર્ફિંગ કરનાર અને હેકર્સ બંનેને લાભ


સેલના પાટિયા જેમ કેટલાક બજારોમાં કાયમી જોવા મળે છે એમ હવે ઓનલાઇન ક્ષેત્રેપણ થયું છે. દિવાળી સેલ બાદ હવે ક્રિસમસ સેલની જાહેરાતો થવા માંડી છે અને સાથે સાથે ૨૦૧૯ને વેલકમ કરતા સેલની જાહેરાતો તૈયાર થઈ રહી છે. 

ઓનલાઇન સેલના કારણે ઇ-કોમર્સ કંપનીઓ તગડી કમાણી કરી લે છે. જો કે તેમણે તગડી કમાણી કરી છે પણ ગ્રાહકોનું બહુ ધ્યાન રાખ્યું હોય એમ લાગતું નથી.

બ્લેક ફ્રાય ડે અને સાયબર મન્ડે એ બન્ને ઓનલાઇન માર્કેટિંગ સાથે જોડાયેલા છે. આ બંને હકીકતે તો ઓનલાઇન શોપીંગ કરનારાઓમાં પ્રિય છે પરંતુ તે હેકર્સમાં પણ બહુ પ્રિય છે. 

ઓનલાઇન શોપીંગમાં અપાતી વિવિધ ઓફરોમાં અટવાયેલા ખરીદનારાઓને એ ખબર નથી હોતી કે હેકર્સ તેમની દરેક મુવમેન્ટ પર નજર રાખીને બેઠા હોય છે. બ્લેક ફ્રાય-ડેમાં પાંચ અબજ રૂપિયાનું સેલ થયું હતું જ્યારે સાયબર મન્ડેમાં સાડા પાંચ અબજનું સેલ થયું હતું. સસ્તી કિંમતની શોધમાં અટવાયેલા સર્ફિંગ કરનારાઓને હેકર્સના માલવેર બાબતે સાવ અજાણ હોય છે.

ઓનલાઇન ખરીદી કરનારા પૈકી મોટા ભાગના બ્રાન્ડેડ ચીજો માટે આગ્રહ રાખે છે. ડીસ્કાઉન્ટ આપતી ઓનલાઇન સાઇટોનો ઉપયોગ કરનારા જાણે અજાણે હેકર્સનો ભોગ બને છે. 

અહીં હેકર્સનો ભોગ એટલે કે હેકર્સે મોકલેલ માલવેર્સ ડીજીટલ સિસ્ટમમાં આવી જવા. આ માલવેર ગમે ત્યારે એક્ટિવ થઈ શકે છે. સેલમાં સસ્તો માલ મેળવવાનો આનંદ લૂંટનારાઓને એ ખબર નથી હોતી કે તેમના કોમ્પ્યુટરમાં વાયરસ એન્ટ્રી લઈ ચૂક્યા છે. ઓનલાઇન સેલ કરનારા ડીસ્કાઉન્ટ આપીને લાભ ઉઠાવે છે તો હેકર્સ લોકોની ઉતાવળ અને જીજ્ઞાાસાનો લાભ ઉઠાવે છે.

ઑનલાઇન સિક્યોરિટી એજન્સીવાળા કહે છે કે ગઈ જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં હેકર્સે નવ મિલિયન એટેક કર્યો હતો તેમનો ટાર્ગેટ ઓનલાઇન સેલ પર હતો. 

મેગાકાર્ટ એ હેકર્સ ગુ્રપ છે જેણે હજારો વેબસાઇટ પર એટેક કર્યા છે અને લાખો લોકોની ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની વિગતો તેની પાસે છે. છેલ્લા પાંચ મહિનામાં તેમણે બ્રિટીશ એરવેઝ અને ટિકિટ માસ્ટર યુ.કે. વગેરે પર હુમલા કર્યા છે. આ વેબસાઇટનો ડેટા હેકર્સ પાસે હતા જેની કબૂલાત પણ વેબસાઇટો પર કરાઈ હતી. 

આ ડેટા પાછા મેળવવાનો કોઈ અર્થ નહોતો પણ ગ્રાહકોના નવા ડેટા ઉભા કરતા નાકે દમ આવી ગયો હતો. દરેક ગ્રાહકને ૨૪ કલાક માટે એકાઉન્ટ ઓપરેટ નહિ કરવાની સૂચના અપાઈ હતી. મેગાકાર્ટની ચેલેન્જ વેબસાઇટો ઉપાડી શકી નહોતી દરેકને સરંડર થવાની ફરજ પડી હતી.

સર્ફિંગ કરનારાઓને સૂચના અપાઈ હતી કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ ના કરે. ગુગલ અને એપલના ઓફિશ્યલ સ્ટોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ હતી. મેગાકાર્ટ ગુ્રપે જ્યારે પોતે હેક કરેલી વિગતો જાહેર કરી ત્યારે વેબસાઇટની સિક્યોરિટી પૂરી પાડતી એન્ટી વાયરસ સિસ્ટમવાળા હેબતાઈ ગયા હતા.

ઓનલાઇન વેચાણ લોકોને કોઠે પડી ગયું છે ઇલેક્ટ્રોનિક ચીજો મોટા પાયે વેચાય છે. ખાસ કરીને સસ્તા મોબાઇલ અને તૈયાર કપડા, શૂઝ વગેરે તો ઘર ઘર કી કહાની બની ગયા છે. યુવાનો તો ઓનલાઇન સેલ શરૂ થતાં જ પોતાની ગમતી પ્રોડક્ટ માટે તૂટી પડે છે. જો કે આ દરેક હેકર્સની પકડમાં ગમે ત્યારે આવી શકે છે. સાયબર સિક્યોરિટીવાળા કહે છે કે થોડાક કલાકોના સેલનો લાભ સર્ફિંગ કરનારા સાથે હેકર્સ પણ ઉઠાવે છે તે ભૂલવું ના જોઈએ.

એમેઝોન-ફ્લિપકાર્ટ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તે વાતને સમર્થન આપ્યું છે કે તે ઇકોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે ભારતના વિદેશી હૂંડિયામણના નિયમનો ભંગ કર્યો છે કે નહી તેની તપાસ કરી રહી છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને ૩૧મી ઓક્ટોબરે દેશની બે સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપનીઓ પર સીધા વિદેશી મૂડીરોકાણના નિયમના ભંગના આરોપની જાહેર હિતની અરજીના સંદર્ભમાં આપેલા જવાબમાં આ વાત કરી હતી. 

ઇડીને ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે હેન્ડસેટ ઉત્પાદકોના લોબી જૂથની ફરિયાદ મળી હતી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે તેણે આ ફરિયાદ નોંધી છે અને ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯ હેઠળ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ શરૂ કરી છે. 

દિલ્હી હાઇકોર્ટે આ સંદર્ભમાં ૩૦મી જુલાઈના રોજ નોટિસ પાઠવી હતી . ટેલિકોમ વોચડોગ, એનજીઓએ ઇકોમર્સ જાયન્ટ સામે એફડીઆઇ ધારાધોરણોનો ભંગ કર્યાની ફિરયાદ કરી છે. તેઓ પર પ્રોક્સી સેલરો દ્વારા લોકપ્રિય પેદાશો સસ્તા દરે ઓફર કરવાનો આરોપ છે. આ રીતે તેઓ નાના કારોબારો અને વેપારીઓને સ્પર્ધામાંથી દૂર કરી રહ્યા છે. 

એમેઝોન અને ફ્લિપકાર્ટ તેમના પ્રોક્સી સેલરો દ્વારા તેના પ્લેટફોર્મ વેચાતી માલસામગ્રીના વેચાણભાવ પર પૂરેપૂરો અંકુશ ધરાવો છે, તેમની આ પ્રકારની પ્રેક્ટિસ એફડીઆઇના નિયમનો ભંગ કરે છે તેવો આક્ષેપ એનજીઓએ કર્યો હતો.

- પ્રસંગપટ

Comments