પદયાત્રાઓને પ્રોત્સાહન આપવા સત્તાવાળાએ પગલાં લેવા જોઇએ

ગીરનારની પરિક્રમામાં ૧૨ લાખ લોકો આવ્યા હતા
ભક્ત બોડાણા દર પૂનમે ડાકોરથી દ્વરકા જતા હતા.આ કાર્તકી પૂનમે તેને ૮૬૨ વર્ષ પુરા થયા છે
પદયાત્રાઓ અને પરિક્રમાનું મહત્વ વધતું જાય છે. ગયા અઠવાડીએ બે મોટી પરિક્રમા જોવા મળી હતી. એક હતી પાવાગઢ અને બીજી હતી ગિરનારની પરિક્રમા. ગિરનારમાં આ વખતનો મહેરામણ જોઇને તો પોલીસ તંત્ર પણ હબક ખાઇ ગયું હતું. 

કેટલાક નાગા બાવાઓના દર્શેને તેમજ આશિર્વાદ લેવા આવ્યા હતા તો કેટલાક કુદરતી સૌંદર્યનો આનંદ લૂંટવા આવ્યા હતા.  બે મહીના અગાઉ વ્રજ પરિક્રમા હતી. તે અગાઉ નર્મદા પરિક્મા યોજાઇ હતી. નર્મદા પરિક્રમા આજકાલ રાજકારણીઓ કરી રહ્યા હોઇ તેનોે પ્રચાર પ્રસાર વધી રહ્યો છે. 

ગિરનારની પરિક્રમામાં ૧૨ લાખ લોકો આવ્યા હતા. આ વખતનો આંકડો વિક્રમી હોવાનું મનાય છે. જે લોકો પહેલીવાર ગિરનાર જાય છે તેમને શ્વાસની તકલીફ થાય છે પરંતુ કાયમી જનારા તો હરણની જેમ પરીક્રમા કરીને ફટાફટ ઉતરી જાય છે. વ્રજ પરિક્મા દૂધનો અભિષેક કરતાં-કરતા પણ કરાય છે. 

તેનો માર્ગ ઉપરની તરફ દશ કિલોમીટર જેટલો હોય છે જ્યારે ગિરનારનો માર્ગ ઉપરની તરફ ૩૫ કિ.મી. જેટલો છે.  અમરનાથ યાત્રાનો માર્ગ ૪૦ કિ.મીટર જેટલો ઉપરની તરફનો હોય છે. જ્યારે પર્વત ચઢવાનો આવે ત્યારે લોકો હાંફી જાય છે અને ઘણીવાર મોતને ભેટે છે. સીધા રસ્તા એટલેકે ડાકોર કે અંબાજીની યાત્રામાં ચેસ્ટ પેનની કોઇ ઘટના નથી બનતી કેમકે શ્વાસ રુંધાતો નથી. 

જોકે અમદાવાદથી ડાકોરનું ૮૦ કિ.મી. અંતર ચાલતાં પગે છાલાં પડી જાય છે. અહીં વાત  એ છે કે આજકાલ પરિક્રમાનો ક્રેઝ વધતો જાય છે. ગિરનારની પરિક્રમામાં જ્યારે ૧૨ લાખ લોકો આવે ત્યારે એમ થાય કે વાહનોની ફુલ સગવડના જમાનામાં લોકો પદયાત્રાને મહત્વ આપી  રહ્યા છે. ભક્ત બોડાણા ડાકોરથી ઠેઠ દ્વારકા પદયાત્રા કરીને જતા હતા. 

અંતે દ્રારકાધીશ પ્રસન્ન થાય છે અને ભક્તની સાથે ડાકોર આવીને સ્થાયી થયા હતા. આ ધટનાને ગઇ કાર્તકી પૂનમે ૮૬૨ વર્ષ પુરા થયા છે. એવીજ રીતે ભગવાન સ્વામિનારાયણે અને વલ્લભાચાર્યે તેમજ શંકરાચાર્યે પણ પદયાત્રા કરીને ધર્મનો પ્રચાર કર્યો હતો. પદયાત્રા કે પરિક્રમા કરવી આસાન નથી હોતી. 

પહેલાં જ્યારે રોડ પર સવલતો ઓછી હતી અને રોડ કાચા હતા ત્યારે પણ પદયાત્રા કરનારા હતા. ત્યારે પદયાત્રીઓને લૂંટી લીધાની ઘટનાઓ બનતી હતી. હવે પદયાત્રાના માર્ગો પાકા થયા છે, માર્ગ પર વિવિધ હોટલો ઉભી થઇ હોઇ પદયાત્રીઓને ખાવા-પીવાની કોઇ તકલીફ નથી પડતી.

બે કે ત્રણ દિવસની યાત્રા કરનારા સાથે બહુ સામાન નથી રાખતા. તેમની પાસે બગલ થેલોે હોય છે. જેમાં માંડ એક જોડી કપડાં હોય છે. જેને પોટલીયા પદયાત્રી તરીકે ઓળખવામાં આવે છે. 

આવા લોકો એકલ સૂરા હોય છે અને લાંબા ફલાંગો ભરીને ટૂંકા સમયમાં યાત્રા પુરી કરી દે છે. અમરનાથની યાત્રા બહુ કઠીન હોય છે. શ્રધ્ધાળુઓ અમદાવદથી પંઢરપુર સુધી પદયાત્રા કરતા હોય છે. અમદાવાદથી શ્રીનાથજી કે દ્વારકા સુધીના પદયાત્રા સંઘો તો કાયમી ઘોરણો નીકળે છે. આવા સંઘો તો પરંરાગત રીતે નીકળતા હોય છે. કેટલાંકને

શ્રધ્ધાળુ લોકોને પદયાત્રાએ લઇ જવાનો શોખ હોય છે. તમણે આવી સેવા નિયમિત કરી નાખી હોય છે જેથી લોકો પદયાત્રા કરીને દર્શને જઇ શકે. જ્યારે કોઇ દર મહિને ૮૦ કિ.મી. ચાલીને જાય ત્યારે તે વંદનને પાત્ર બને છે.

પદયાત્રાનો આનંદ અવર્ણનીય હોય છે. કુદરતની સાથે પદયાત્રા કરવાનો આનંદ વિશેષ હોય છે. એટલેજ કેટલાક લોકો નિયમિત પણે ડાકોર કે જેતલપુર જેવા સ્થળોએ પદયાત્રા કરીને જાય છે. જ્યારે ભક્તો પદયાત્રા કરતા હોય છે ત્યારે ભગવાન તેમનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. 

નિયમિત  પદયાત્રા કરનારાઓને પૂછો તો ખ્યાલ આવે કે તેમને વારવાર ભગવાનનો સાથ હોવાનો અનુભવ થાય છે. આ વખતે ગિરનારની યાત્રામાં લોકો એટલા મોટા પાયે ઉમટયા હતા કે એસટી બસ તેમજ ટ્રેનના ડબા પર બેસીને લોકો આવ્યા હતા. સત્તાવાળાઓએ પાતાની ભૂલ સુધારવાની જરુર છે.  

અંબાજી કે ડાકોરમાં જ્યારે લાખો પદયાત્રીઓ આવે છે ત્યારે તેમને પરત ફરવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.સત્તાવાળાએ દરેક પદયાત્રાઓનું મહત્વ સમજીને શ્રધ્ધાળુઓ માટે પદયાત્રાના માર્ગો પર વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવાની જરુર છે. જેના કારણે પદયાત્રાને પ્રોત્સાહન મળી શકે.  દરેક પદયાત્રા શ્રધ્ધાળુઓ માટે મહત્વની હોય છે. સરકારે પદયાત્રીઓ માટે પાણીની સવલત કે ઉતારા જેવી સવલતો પુરી પાડવી જોઇએ.

- પ્રસંગપટ


Comments