પેપર લીક થયું અને કોંગ્રેસના મોમાં હસતાં હસતાં પતાસું આવ્યું

નવ લાખ કુટુંબોની આશા પર પાણી

પેપર લીક કરનારા વેબસાઇટ હેકર્સ કેવા હોય છે: ખલનાયક જેવા લોકો ગુજરાતને બદનામ કરે છે

પેપર લીક કરનારા વેબસાઇટ હેકર્સ જેવા હોય છે ગમે તેવી સિક્યોરિટી છતાં જેમ હેકર્સ તમામ સોફ્ટવેર નિષ્ણાતોને ઓવરટેક કરીને ઘૂસ મારે છે એવા પેપર લીકર્સ હોય છે. 

પેપર લીકની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. નવ લાખ આશાસ્પદો એટલેકે નવ લાખ કુટુંબોએ જોયેલા સરકારી રોજગારીના સપનાં વેરણછેરણ થઈ ગયા હતા. 

પેપર લીકની ઘટનાએ સરકાર પરનો ભરોસો તોડી નાખ્યો છે. નવ લાખ કુટુંબોની ગાળો સરકાર ખાઈ રહી છે જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપતા હોય ત્યારે પેપર લીક કરતા ખલનાયકો પણ મેદાનમાં હોય એ સ્વાભાવિક છે. સરકાર બેધ્યાન રહી છે એ હકીકત પણ સ્વીકારવી જોઈએ.
પેપર લીકની ઘટનાએ સરકારના વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. નવ લાખ લોકોના સપનાં ભ્રષ્ટાચારીઓના કારણે રોળાઈ ગયા છે. પેપર ફૂટવાની ઘટના જોઈને એમ લાગે છે કે ઉપરના સ્તરે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે.
 એક તરફ બેરોજગારીની સમસ્યા છે તો બીજી તરફ નોકરી મેળવનારને સરકારીન નિમણૂકો પર કોઈ ભરોસો નથી. કહે છે કે લીક થયેલા પેપર પાંચ- પાંચ લાખમાં વેચાતા હતા જેણે પેપર લીકની સોપારી હાથમાં લીધી હશે તેણે ઠેઠ ઉપર સુધી સેટિંગ કર્યું હશે.
ટોપના સ્તરે બેઠેલા લોકો બેનંબરી 'વહીવટકારો' હોય છે. પૈસા કમાવાની એક પણ બારી તે છોડતાં નથી. આશાસ્પદ યુવાનોની સ્થિતિ શું થશે તે જાણ્યા વગર પૈસા ભેગા કરવાનો ધંધો ચાલે છે. ભાજપના લોકો કોંગ્રેસને સારી કહેવડાવવાની સ્પર્ધામાં ઉતર્યા હોય એમ લાગે છ. હવે જ્યારે પણ સરકારની પરીક્ષા લેવાશે ત્યારે લોકરક્ષક ભરતીના પેપર લીકની ઘટના સૌને યાદ આવશે.
પેપરલીકના વાયરસ વર્ષો જૂના છે. આ કમાણીનો ધંધો છે. અમદાવાદ શહેરમાં વી.એસ. હોસ્પિટલની બહાર, વિજય ચારરસ્તા વગેરે સ્થળોએ એસ.એસ.સી.ના લીક થયેલા પેપરો વેચાતા હોવાની વાતો ઉડતી આવી છે.
હોંશિયાર વિદ્યાર્થી ક્યારેય પેપરલીકના ટ્રેપમાં નથી ફસાતો પરંતુ સૂકા ભેગું લીલું બળે એવી પેપર લીકની ઘટનાઓ છે. ભૂતકાળ પર નજર કરીએ તો સરકારની અનેક પરીક્ષાઓમાં લાગવગીયા લોકો પેપરલીકના આધારે આગળ વધતા હોય છે.
પેપર લીકનો એપિસોડ સરકાર પરનો વિશ્વાસભંગ સમાન છે. ના કોઈએ રાજીનામું આપ્યું કે ના કોઈએ જવાબદારી સ્વીકારી. ના કોઈની તાત્કાલીક ધરપકડ થઈ. 
ભાજપના કાર્યકરો કૌભાંડમાં સંડોવાયેલા હોઈ ભાજપને બદનામી મળી છે. પોલીસ લોકરક્ષક બોર્ડના ચેરમેન વિકાસ સહાય માથુ ખંજવાળતા રહ્યા કેમ કે આન્સર કી સાથેનો વોટ્સએપ તેમણે જોયો હતો. ૧૬ કલાક પહેલા પેપર છપાઈને આવ્યા અને વચ્ચેના ગેપમાં તે ફૂટી ગયા.
શિક્ષણ તંત્ર ખાડે ગયેલું હતું અને હવે પરીક્ષા તંત્રની પોલ ખૂલી છે એક મહિલા અને ભાજપના કાર્યકરોનું આ કાવત્રું કેટલું ઉંડેથી પ્રસરેલું છે તેની લોકોને ખબર પડે તે પણ જરૂરી છે. ટયુશન ક્લાસીસ ચલાવનારાઓ પણ પેપર લીકની પાછળ હોઈ શકવાની સંભાવના છે. સરકારી તંત્રને ફોડવું શક્ય છે. કદાચ એમ કહી શકાય કે, 'પૈસા ક્યા ન કરતા' ? આવા કૌભાંડીઓ અનેક છે આ કેસમાં સંડોવાયેલાઓને રાજકીય પીઠબળ છે.
પરીક્ષા તંત્ર કેટલું બોદું છે તે દેખાઈ આવે છે. ક્યારેક પેપર લીક તો ક્યારેક પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી તો ક્યારેક પર્સનલ ઇન્ટરવ્યૂ અને લાગવગ વગેરે પ્રમાણિક ઉમેદવારોને નોકરીથી દૂર રાખે છે. બેરોજગારીની સમસ્યાથી ત્રસ્ત લાખો લોકો નોકરીની જાહેરાતો જોવા અખબારો ફેંદતા હોય છે. મોટા ભાગના સરકારી નોકરી માટે ભગવાનની માનતા રાખે છે.
જસદણની ચૂંટણીઓમાં આ પેપર લીકનો મુદ્દો ગાજશે કેમ કે ભાજપ સીધું સંડોવાયું છે. રાજકીય વગનો કેવો દુરૂપયોગ થાય છે અને કેવી રીતે તગડી કમાણી કરવી તેના પ્લાનિંગ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પેપર લીક છે.
 કોંગ્રેસના હાથમાં હસતા- હસતા પતાસુ આવી ગયું છે. ગુજરાતને એવા નેતૃત્વની જરૂર છે કે જેનો પ્રભાવ અને ધાક બંને હોય. કોંગ્રેસને સામે ચાલીને આ વિવાદ અપાયો છે.
જેમ કોર્ટમાં 'તારીખ પે તારીખ'નો મામલો છે એમ સરકારમાં કમિટી પે કમિટી જેવી સ્થિતિ છે. બે- વાર કમિટી બનશે અને મામલા પર ઠંડુ પાણી નખાશે પરંતુ પ્રજા જાણી ગઈ છે કે વહીવટી તંત્ર બોદું છે.
પેપર લીક સંદર્ભે એક આકર્ષક વોટ્સએપ ફરે છે
ફૂટયો માણસ અને બદનામ થયું પેપર
- પ્રસંગપટ

Comments