ભારતીય વિમાની કંપનીઓની બેલેન્સ શીટ દબાણ હેઠળ રહેશે
એર ઇન્ડિયાના દેવામાં 29,૦૦૦ કરોડ સુધી ઘટાડો કરવાની સરકારની તૈયારી
ભારતીય વિમાની કંપનીઓએ આગામી ત્રણથી ચાર વર્ષમાં ૩૫,૦૦૦ કરોડની ઇક્વિટી ઉમેરવાની જરૂર પડશે જેથી તે તેમના ઋણબોજમાં ઘટાડો કરી શકે, એમ રેટિંગ એજન્સી ઇકરાએ ગુરુવારે જ ણાવ્યું હતું.
ઇકરાના કોર્પોરેટ સેક્ટર રેટિંગના કો-હેડ અને વાઇસ પ્રેસિડન્ટ કિંજલ શાહે ગુરુવારે જારી કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નજીકના સમયગાળામાં જોઈએ તો ભારતીય વિમાની કંપનીઓની બેલેન્સ શીટ દબાણ હેઠળ રહેશે, સિવાય કે તે કાર્યકારી ક્ષમતામાં સુધારો કરીને ઋણબોજ ઘટાડે અથવા તો ઇક્વિટી ઉમેરે.
શાહે ઉમેર્યુ હતું કે ઉડ્ડયન ઉદ્યોગ પર ઋણબોજ ઊંચો છે અને તેના માટે તે જ સ્તરે ઇક્વિટી ઉમેરવાની જરૂર પડશે. ઇકરા માને છે કે આગામી ત્રણથી ચાર વર્ષમાં ઇક્વિટી ઉમેરો કરવાની જરૂર પડશે. ઇંધણના ઊંચા ભાવ અને નબળા રૂપિયાના લીધે વિમાની કંપનીઓનો કાર્યકારી ખર્ચ વધ્યો છે. નબળા રૂપિયાના લીધે ડોલરમાં મોટાભાગના ખર્ચાઓ વધ્યા છે.
આ સિવાય સ્થાનિક ક્ષેત્રમાં ભારે સ્પર્ધાના લીધે એરલાઇન્સ પણ તેનો પૂરેપૂરો ખર્ચ ગ્રાહક પર પસાર કરી શકતી નથી. ઓક્ટોબરમાં મોટાભાગની એરલાઇન્સે પેસેન્જર લોડ ફેક્ટરમાં મોટાપાયે ઘટાડો જોયો હતો અને તેના લીધે તેમણે ભાડાંમાં વધારો કરવાની ફરજ પડી હતી. આ જ સમયે મોટા એરક્રાફ્ટના ઓર્ડરોની ઓવર-કેપેસિટી થતાં તેમના ભાડાં ઘટાડવાની ફરજ પડી છે.
ખોટ કરતી એર ઇન્ડિયાના ટર્નઅરાઉન્ડ પ્લાનનો અમલ કરવામાં આવ્યો તો ૨૯,૦૦૦ કરોડ રૂપિયાનો ઋણબોજ ઘટશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન સચિવ આર.એન. ચૌબેએ પત્રકારોને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના જંગી ઋણબોજ ૫૫,૦૦૦ કરોડથી નોંધપાત્ર હિસ્સાને ટ્રાન્સફર કરવો તે અંશતઃ ધોરણે પણ રાષ્ટ્રીય વિમાની કંપની માટે રાહત આપતું પગલું છે.
આ પહેલા નાણાપ્રધાન અરૂણ જેટલીના અધ્યક્ષપદ હેઠળ મળેલી પ્રધાનોની સમિતિએ એર ઇન્ડિયાનો જંગી ઋણબોજ સ્પેશિયલ પરપઝ વ્હીકલ (એસપીવી)ને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પાછળનો ખ્યાલ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એકમને વેચવાનો અને તેના ભંડોળનો ઉપયોગ ઋણ ઘટાડવા માટે કરવાનો છે.
ચોબેએ સમજાવ્યું હતું કે એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની લિમિટેડની એસપીવીના સ્વરૂપમાં સ્થાપના થઈ ચૂકી છે. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સવસિસ લિમિટેડ (એઆઇએટીએસએલ) ભારતમાં સૌથી મોટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની છે અને હાલમાં તે જ્યાં એરલાઇન ઓપરેટ કરે છે તે બધા એરપોર્ટ પર હાજરી ધરાવે છે. કંપની પાસે સ્થાનિક આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ હેન્ડલિંગ કારોબારનો ૮૦થી ૮૫ ટકા હિસ્સો છે, તેમ એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
ચૌબેએ જણાવ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગે આ સિવાય એર ઇન્ડિયાને જણાવ્યું છે કે તે કાર્યક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા પગલા લે જેથી વર્ષે ૨,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી શકાય.
આ સિવાય સરકાર તાજેતરમાં જેટ ફ્યુઅલના ભાવમાં વધારો થયો તેના પગલે ઉડ્ડયન ક્ષેત્રને રાહત આપવા પણ વિચારી રહી છે. જેટ ફ્યુઅલના ભાવમાં વધારાના લીધે બધી એરલાઇન્સની સ્થિતિ કફોડી બની હતી અને તેમના માટે અત્યંત સ્પર્ધાત્મક બજારમાં ગ્રાહક પર ખર્ચ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો. જેટ ફ્યુઅલ એરલાઇનના ખર્ચમાં ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
રાષ્ટ્રીય વિમાની કંપની એર ઇન્ડિયાને બચાવવાના અંતિમ પ્રયત્નના ભાગરૂપે નાણા પ્રધાન અરૂણ જેટલીની આગેવાની હેઠળની પ્રધાનોની પેનલે મંગળવારે નક્કી કર્યુ હતુ કે તે કંપનીના ગ્રાઉન્ડ હેન્ડલિંગ એકમના ૧૦૦ ટકા હિસ્સા સાથે વેચી દેશે, જેથી રાષ્ટ્રીય વિમાની કંપની પરના જંગી ઋણબોજને હળવો કરી શકાય.
આ આયોજન મુજબ એર ઇન્ડિયા તેના એર ટ્રાન્સપોર્ટ સર્વિસિસ લિમિટેડને સ્પેશિયલ પરપઝ વ્હીકલ (એસપીવી)માં ટ્રાન્સફર કરશે, જેની સીધી માલિકી સરકારની હશે. એક વખત ટ્રાન્સફર પૂરી થયા પછી કંપની માટે ઇરાદાપત્ર મંગાવવામાં આવશે, એમ નાગરિક ઉડ્ડયન સચિવ આર.એન. ચૌબેએ પત્રકારોને બેઠક પછી જણાવ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષમાં જ તેનું વેચાણ કરવામાં આવે તે પ્રકારે પ્રયત્નોને વેગ આપવામાં આવી રહ્યો છે. એર ઇન્ડિયા પર ૪૮,૦૦૦ કરોડથી વધારે રકમનો ણબોજ છે અને તેની કાર્યક્ષમતામાં સુધારો કરીને ટર્નઅરાઉન્ડ પ્લાન અમલી બનાવી શકાય તો ખોટ કરતી આ રાષ્ટ્રીય વિમાની કંપનીમાં રોકાણકારોનો રસ જગાવી શકાય. પ્રધાનોની સમિતિએ પવન હંસના વેચાણમાં પણ આગળ વધવાનો નિર્ણય કર્યો છે, જેના માટેની દરખાસ્ત તરતી મૂકવામાં આવી છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment