અહમ્-ક્લેશ કે કિન્નાખોરી સત્ય કંઇક ત્રીજું જ હોઇ શકે

મીતાલી અને રમેશ પોવાર વચ્ચેનો વિવાદ

મહિલા સશક્તિકરણના પાયામાં ઘા કરતી ઘટના: ખેલાડીઓને હેરાન કરાય છે


હાલની કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણનો આગ્રહ રાખે છે ત્યારે રમતગમત જગતમાં હાલ ચાલી રહેલો એક વિવાદ મહિલા સશક્તિકરણના પાયામાં ઘા કરતો હોય એવું લાગે છે. તમારી ધારણા સાચી છે. આ વાત મહિલા ક્રિકેટ કેપ્ટન મીતાલી રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચેની છે. 

સાચા ક્રિકેટ રસિકોને સમજાતું નથી કે આ બંને વચ્ચે એવું તે શું બની ગયું કે બંને એકમેકના લોહીતરસ્યા બની ગયા ? જાહેરમાં એકબીજા પર કીચડ ઊછાળવાનું શી રીતે ચલાવી લેવાય ? વાતો તો એવી સંભળાતી હતી કે મીતાલીની કેરિયર જોતાં રમેશ પોવારે જવું પડશે. આ બંને વચ્ચેના મૈં મૈં તુ તુની વાતો પાછળ માત્ર અહંક્લેશ છે કે બીજું કંઇ ? કોણ કેવુંક રાજકારણ રમી રહ્યું છે ?

આજે અન્ય તમામ આઉટડોર રમતોમાં ક્રિકેટ ટોચ પર છે. દરેક મેચને ટીવીના માધ્યમ દ્વારા લગભગ આખી દુનિયા માણે છે. નીવડેલા ક્રિકેટરો તાતા કે વિજય માલ્યાની બરાબરી કરી શકે એવી ધીંગી કમાણી કરે છે. એમને મળતા એન્ડોર્સમેન્ટના કરારો કરોડો રૂપિયાના હોય છે. સચિન તેંડુલકર કે વિરાટ કોહલી એના હરતા ફરતા દાખલા છે. 

ક્રિકેટના દરેક ખેલાડી ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી સ્પર્ધા વખતે કરોડોના ભાવે ખરીદાતા હોય છે. આમ આ રમત બોલિવૂડના ટોચના અભિનેતાઓને અદેખાઇ આવે એવી ગ્લેમરસ પણ બની ચૂકી છે. 

એવા સમયે મીતાલી અને પોવારની ખેંચતાણને મિડિયા વ્યાપક કવરેજ આપે એ સમજી શકાય એવી વાત છે. સાથોસાથ એ હકીકત પણ સ્વીકારવી જોઇએ કે આ ક્લેશ દુનિયાભરમાં આપણને હાંસીપાત્ર બનાવે છે.

મીતાલીની કારકિર્દી પર નજર નાખતાં એ માત્ર કેપ્ટન તરીકે નહીં, ખેલાડી તરીકે પણ પોતાની ક્ષમતા પૂરવાર કરી ચૂકી છે. ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયામાં યોજાએલી ટી ટ્વેન્ટી સ્પર્ધામાં આપણી ટીમે નંબર વન ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ અને ન્યૂઝીલેન્ડ, બંનેની અજેય ગણાતી ટીમોને હરાવી ત્યારે આપણી મહિલા ટીમે દેખાડેલી રમત આજેય રમત રસિયાઓ યાદ કરે છે. 

એ સ્પર્ધા વખતે હરમનપ્રીત કૌર કેપ્ટનપદે હતી, મીતાલી માત્ર ખેલાડી હતી. સમયના વહેવા સાથે મીતાલી કેપ્ટન બની એ પછી પણ એના દેખાવમાં ક્યાંય ઊણપ જોવા મળી નથી. અલબત્ત, એક ભક્તિગીતમાં કહે છે એમ માણસ માત્ર અધૂરા. શક્ય છે, મીતાલીએ ભૂલ કરી હશે. અનુભવીઓ કહે છે કે કામ કરે એ ભૂલ પણ કરે. જે કામ કરતાં નથી એ ભૂલ પણ કરતાં નથી. 

પોવારે કોચ તરીકે જે મેચ્યોરિટી દેખાડવી જોઇએ એ દેખાડી નથી. તમે માત્ર અગિયાર ખેલાડીના રમતગુરુ નથી. તમે આખાય દેશના પ્રતિનિધિ છો. સમગ્ર મહિલા ટીમના કોચ છે. તદ્દન જુદી જુદી પ્રતિભા ધરાવતી ૧૧ વ્યક્તિના ટેમ્પરામેન્ટને સમજીને થોડા વ્યવહારુ થવાની જરૂર હોય છે. અહીં તો બોલિવૂડના મિસ્ટર કે પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાને દંગલ ફિલ્મમાં દેખાડેલા સરકારી અધિકારી કોચ જેવું જ કંઇક રમેશ પોવાર કરી રહ્યા હોય એવું કોમન મેનને લાગે છે.

અત્યારે આપણી મહિલા ટીમમાં જબરદસ્ત ફોર્મ છે, ઉત્તમ ખેલાડીઓ છે જેમાં જેમિમા, સ્મૃતિ, દીપ્તિ, તાન્યા અને રાધા - આ બધીયે હજુ બાવીસ ત્રેવીસ વર્ષની છે. દરેકમાં ઉત્તમ ખેલાડી બનવાનો સ્પાર્ક છે. દરેકમાં અનેરો ઉત્સાહ અને તરવરાટ છે. 

આમ છતાં આ બધીયે હજુ વછેરા જેવી છે. એમની પ્રતિભાને સંવારવા માટે ધીરજ અને સહનશીલતાની અનિવાર્ય જરૂરિયાત છે. રમેશ પોવાર એ દ્રષ્ટિએ ક્યાંક પાછા પડે છે એવું લાગ્યા વિના રહેતું નથી. 

કોચમાં તો અખૂટ ધીરજ અને સહનશક્તિ હોવાં જ જોઇએ. તો જ એ પોતાની લીડરશીપને યથાયોગ્ય પણ કરી શકે. ભૂલ તો કોચની પણ થઇ શકે. ક્રિકેટનો ઇતિહાસ એવી ઘણી ઘટનાનો સાક્ષી છે જ્યાં કોચની ભૂલ થઇ હોય.

સૌથી મોટી વાત એ છે કે ક્રિકેટ એક ટીમ ગેમ છે. સંઘબળ પર એના જય-પરાજયનો આધાર રહેલો છે. બહેતર એ છે કે ગઇ ગૂજરી ભૂલી જઇને જાગ્યા ત્યાંથી સવાર કરવામાં આવે. એકવાર મર્યાદાઓ અને ભૂલો નિવારી લેવાશે ત્યારે આ ટીમ પણ પોતાનું કૌવત પુરવાર કરી બતાવશે. બીત ગઇ સો બાત ગયી... જૂના જખમોને પંપાળ્યા કરવાનો આ સમય નથી. 

પૂર્વગ્રહો દૂર કરીને સામસામે બેસીને વ્યવહારુ ઉેકેલ તત્કાળ શોધી કાઢવો જોઇએ. એક ખેલાડીને કારણે આખી ટીમનો ઉત્સાહભંગ થાય કે અન્ય કોઇ ખેલાડી મારી સાથે પણ આવું થઇ શકે છે એવું વિચારી ડિપ્રેશનનો શિકાર બની જાય એના કરતાં આ વાતનો જેટલો જલદી નિવેડો આવી જાય એટલું સારું. ઝડપી સમાધાન મહિલા  ક્રિકેટના ભવિષ્ય અને હિત માટે જરૂરી છે.

- પ્રસંગપટ

Comments