વધતી જતી ટોળાશાહી યોગી માટે મોટા પડકાર સમાન ..

સુબોધસિંહની હત્યા એ યોગી સરકારને લલાટે કાળી ટીલી
ગૌરક્ષાના નામે ગુંડાઓ હાથમાં કાયદો લે ત્યારે સરકાર તમાશો જોયા કરે એ લોકશાહી માટે શરમજનક છે..
ઉત્તર પ્રદેશમાં મોબોક્રેસીએ એક ઇન્સપેક્ટરનો જાન લીધો છે. યોગી આદિત્યનાથની કામ કરવાની સ્ટાઇલથી લોકો નારાજ છે. 

ઉત્તર પ્રદેશમાં ગુંડાઓના શાસનનો ખાત્મો બોલાવનાર યોગી આદિત્યનાથના પીઠબળ વાળી સેના જ્યારે નિર્દોષ લોકોનો ખાત્મો બોલાવે છે ત્યારે દેશના લોકો ખળભળી ઉઠે છે. યોગી પ્રચારમાં વ્યસ્ત છે . 

તેમની સીધી સંડોવણી ભલે ના હોય પણ હિન્દુ સંગઠનો યોગી શાસનમાં બેકાબુ બન્યા છે તે તો દરેકે સ્વીકારવું જ પડશે. યોગી આદિત્યનાથ જ્યારે એનકાઉન્ટર કરીને ગુંડાઓનો સફાયો બોલાવતા હતા ત્યારે સૌને વહાલાં લાગતા હતા. દરેક તેમની કામ કરવાની શૈલીને આવકારતા હતા. 

યોેગી આદિત્યનાથે એગ્રેસીવ બનીને શાસનની શરુઆત તો કરી પણ પોતાના  જ લોકોના ઉત્સાહ પર તે નિયંત્રણ ના રાખી શક્યા. પોતાના લોકો અટલેકે સંઘ સાથે જોડાએલા બજરંગ દળ જેવા સંગઠનો. 

પોતાની વાત સરકાર સમક્ષ ઉગ્ર રીતે રજુ કરવા ટેવાયેલા લોકો કાયદાની ઐસી-તૈસી કરતા જોવા મળે છે. સત્તાવાળાઓની મૂક સંમતિ જોઇને આવા લોકો વધુ ભંુરાટા થતા હોય છે.

ઉત્તર પ્રદેશમાં તો એવી સ્થિતિ હોવાનું મનાય છે કે ભાજપ,આરએસએસ કે બજરંગદળના કોઇપણ માણસને પોલીસ પકડી શકતી નથી. જો કોઇ પકડે તો તેની બદલી કરી દેવાની ધમકી અપાય છે.  ગુંડાગીરી સાથે સંકળાયેલા આ રાજ્યમાં આવી સ્થિતિ આજની નથી વર્ષોથી જોવા મળે છે. 

અહીં સત્તા પર આવતો કોઇ પણ પક્ષ પોલીસ તંત્રને પોતાના પગ નીચે રાખવા માંગતો હોય છે. વાચકોને યાદ હશે કે જ્યારે સમાજવાદી પક્ષના નેતા આઝમખાનની ભેંસો   ખોવાઇ ગઇ ત્યારે પોલીસ અધિકારીઓ પણ તે ભેંસોને શોધવાના કામમાં લાગી ગયા હતા. 

ગૌરક્ષાના નામે રાતોરાત હીરો બની ગયેલા યુવા નેતાઓ પોતાના હિસાબો સરભર કરતા હોય એમ લાગે છે. જેમ ગુંડાઓ જાહેરમાં મારામારી કરીને પોતાની ધાક જમાવવા માંગે છે એવીજ રીતે યુવા સંગઠનો પણ પોતાના મોવડીઓને ખુશ કરવા તેમના ચીંધેલા કામો કર્યા કરે છે. 

ધીરે ધીરે આ કાર્યકર પક્ષમાં માનીતો બની જાય છે. તેને ચૂંટણીમાં પણ ઉભો રખાય છે. યુવાનેતાઓને કાયદો હાથમાં નહીં લેવાનો એમ સમજાવવાના બદલે હું બેઠો છું ને એમ કહેનારા રાજ કારણીઓ ઠેર ઠેર જોવા મળે છે.

કોઇપણ યુવાનેતા દાદાગીરી ત્યારે જ કરે છે કે જ્યારે તેની પાછળ કોઇ પીઠબળ હોય છે. રાજકારણની માયા જાળ સમજવી બહુ અઘરી હોય છે. કયારે કોને આગળ લાવવો તેની ભાગ્યેેજ ખબર પડે છે. 

બુલંદ શહેરમા સુબોધસિંહની હત્યા એ યોગી સરકારને લલાટે લાગેલી કાળી ટીલી સમાન છે. કહે છે કે ભૂતકાળના એક કેસમાં સુબોધસિંહે બજરંગદળની તરફેણ કરી નહોતી એટલે તેને ઘાટમાં લેવાયા હતા.

ટોળાશાહીના નામે કોઇને રહેંસી નાખવા એ બહાદુરી નથી. બજરંદગળ કાયર હોવાનું દેખાઇ આવે છે. ટોળાશાહીમાં બુધ્ધિ નથી હોતી જેવી સુફીયાણી વાતો હવે સાંભળવા મળશે પરંતુ હકીકત એ છે કે તોફાનના  નામે કોઇ જુના વેરની વસુલાત કરાઇ હોવાનું મનાય છે. 

વધતી જતી ટોળાશાહી યોગી સરકાર માટે પડકાર સમાન છે. આવી ટોળાશાહી જોઇને અન્ય પ્રદેશોમાં પણ તેના વાયરસ પહોંચી શકે એમ છે.

ટોળાંશાહીમાં કેટલાક લોકો હાથ સાફ કરવાની તક ઝડપી લેતા હોય છે. જ્યાં ટોળું હોય છે ત્યાંથી કાયદાના પાલનની વાતો અદ્રશ્ય થઇ જાય છે. ટોળામાં લોકો નેતૃત્વ વિહોણા હોય છે અને મારો-મારોની બૂમો વચ્ચે લાભ ઉઠાવવારા સક્રીય બની જાય છે. ટોળાને પોલીસનો ડર નથી હોતો, કાયદાના પાલનની તેમને લગીરેય પડી નથી હોતી.

કોઇ એકને ટારગેટ બનાવીને મારવામાં આવે છે અને બાકીનાઓ ખોટી ખોટી મારો મારોની બૂમો પાડયા કરે છે. આ લોકો કોઇ વિચિત્ર હીસ્ટેરીયાનો શિકાર બન્યા હોય છે.કોઇકને મારવાનો પીશાચી આનંદ ઉઠાવતા હોય છે. 

એટલેજ જ્યારે ટોળામાં ઘેરાવ ત્યારે ત્યાં દલીલો કરવાના બદલે કે તેમનો સામનો કરવાનો વિચાર કરવાના બદલે ત્યાંથી સરકી જવું જોઇએ. જેમની ટોળાએ હત્યા કરી તે સુબોધસિંહનું કામ કાયદો વવ્યવસ્થા જાળવવાનું હતું. યોગી આદિત્યનાથ જ્યારે ચૂંટણી પ્રચાર પર હતા ત્યારે બનેલી આ ઘટના શરમજનક છે. 

સત્તાવાળાઓએ પંદર લોકોને પકડયા છે. તેમાં બજરંગદળનો પ્રમુખ પણ સામેલ છે. તેણે ટોળાના લોકોને ઉશ્કેર્યા હોવાનું મનાય છે. યોગી આદિત્યનાથે તપાસના હુકમો આપ્યા છે. ગૌરક્ષાના નામે ગુંડાઓ હાથમાં કાયદો લે ત્યારે સરકાર તમાશો જોયા કરે એ લોકશાહી માટે શરમજનક છે..

- પ્રસંગપટ

Comments