ટ્રમ્પે પાકિસ્તાનનું નાક દબાવ્યું: ચીનની નજીક આવશો તો ગૂંગળાઈ જશો

ઇમરાન ખાન અને પાક સેના 'બેક ફૂટ' પર
અમેરિકાએ પાકિસ્તાનનું આર્થિક પેકેજ બંધ કર્યું તેમાં ભારતે હરખાવવા જેવું નથી:પ્રવાહી રાજનીતિ ગમે ત્યારે કરવટ બદલી શકે છે
પાકિસ્તાનમાં ચૂંટણી જીતવી હોય કે લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો પાકિસ્તાનનું સ્વતંત્ર અસ્તિત્વ થયું ત્યારથી એક માત્ર ફોર્મ્યુલા અને એજેન્ડા ભારત વિરૂધ્ધ ઝેર ફેલાવતા રહી બાવડાના ગોટલા ફૂલેલા છે તેવું આભાસી લોખંડી કદ ખડુ કરવાનો રહ્યો છે. 

પાકિસ્તાન આ માટે ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને પણ પાળતુ -પોષતુ રહ્યું છે. ઇમરાન ખાન જેવા ઓક્સફર્ડમાં અભ્યાસ કરી ચૂકેલા અને પાશ્ચાત્ય વેશ પરિધાન, બોડી લેંગ્વેજ અને ઠાઠમાં રહેતા ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા એટલે એવી આશા બંધાઈ હતી કે પાકિસ્તાનની હવા હવે બંધિયાર અને જડ કવચમાંથી બહાર આવશે.

પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેનું લશ્કર એક સિક્કાની બે બાજુ છે તેવું બહુ ઝડપથી સ્પષ્ટ થવા માંડયું.એક જમાનામાં અમેરિકાને ઇરાક અને અફઘાનિસ્તાનને ભીંસમાં લેવા હતા ત્યારે વ્યૂહાત્મક રીતે અમેરિકાને પાકિસ્તાનની જરૂર હતી. અમેરિકાની કિલન્ટન અને જ્યોર્જ બુશની સરકાર પાકિસ્તાનને આતંકવાદી જૂથોને નાથવાના બહાને પાકિસ્તાનને રોટલીના ટૂકડો નહીં પણ જાણે રોટલી જ ફેંકતું હોય તેમ તગડી આર્થિક સહાય કરતું રહેલું..

અધુરામાં પુરુ અત્યાર સુધી અમેરિકાની સરકાર પાકિસ્તાનના એ જ આતંકવાદી જૂથોને બ્લેક લિસ્ટ કરીને પાકિસ્તાન સરકાર પર દબાણ લાવતું રહ્યું હતું કે જેઓનું લક્ષ્ય અમેરિકા સામે હોય. ભારતમાં અને કાશ્મીર સરહદે આતંકવાદ ફેલાવતા સંગઠનોને નેસ્તનાબુદ કરવામાં અમેરિકાને રસ નહતો.

પણ, હવે ફોકસ શિફ્ટ થયું છે. પાકિસ્તાનની ઇમરાન સરકારે ચીનની જોડે દોસ્તીનો હાથ વધુ મજબૂત પકડ સાથે મીલાવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ સમજાઈ ગયું કે ચીન તેના પરની ડયુટીથી માંડી જે બંદરો વિકસાવવા માંગે છે અને જે પણ એશિયામાં વર્ચસ્વ ધરાવવાની રણનીતિ છે તેમાં પાકિસ્તાન અને ઇસ્લામી દેશોને તેની પાંખમાં સમાવી રહ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની એવી ચાલ હતી કે ચીનની નજીક જઇશું એટલે અમેરિકા તરત જ અમને તેમની જોડે રાખવા અને ચીનથી દૂર રહેવા આર્થિક સહાયની જંગી ખેરાત કરશે.

અમેરિકા પાકિસ્તાનને રીઝવે તો ભારત સામે પણ પાકિસ્તાન વધુ બાંયો ચઢાવે. આતંકવાદી હૂમલા પણ જારી રહી શકે. પણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ માત્ર માથાફરેલ જ નથી પણ મુત્સદ્દી પણ છે. પાકિસ્તાન અને ચીન બંને પર વિશ્વ ભરોસો ના મુકી શકે તે નિર્વિવાદ છે.

બીજુ, અમેરિકાને પાકિસ્તાનની ભૂમિની હાલ કોઇ જરૂર નથી. ટ્રમ્પને જે દેશોની એલર્જી છે તેમાં પાકિસ્તાન પણ છે. ચીન સાથે હાથ મીલાવી ઇમરાન અને પાક.ના લશ્કરી વડા બાજવા ભારતને વધુ ને વધુ કોર્નર કરવાની મેલી મુરાદ ધરાવે છે. ટ્રમ્પે આબાદ વળતી ચાલ ચાલતા પાકિસ્તાનને તેઓ દ્વારા અપાતી બે અબજ ડોલરની સહાય તાત્કાલિક બંધ કરી દેતા પાકિસ્તાનની જાણે પાંખો કપાઈ ગઈ.

પાકિસ્તાનનું અર્થતંત્ર દિન-પ્રતિદિન ભયજનક રીતે ખાડે જતું જાય છે. પાકિસ્તાનને એમ હતું કે કોર્પોરેટ નાદાર થાય અને સરકાર 'બેઇલ આઉટ' કરે તેમ અમેરિકા પણ આર્થિક ટેકો આપતું રહેશે. બીજી તરફ ચીને પણ પાકિસ્તાન પડી ભાંગે તો તેમની યોજનાઓ પર પાણી ફરી વળે તે ભય હેઠળ પાકિસ્તાનને તાકીદ કરી છે કે ભારત જોડેના સબંધો તનાવમુક્ત થાય તેવું વાતાવરણ સર્જી આતંકવાદને કાબુમાં રાખી અમેરિકાનું દિલ પણ જીતો.

પાકિસ્તાન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને સાથ આપી રહ્યું હોઇ અમેરિકા ભારત તરફ ઝૂકીને ચીનનું અને પાકિસ્તાનનું નાક દબાવી રહ્યું છે.

પાકિસ્તાનના વર્તમાન અને ભુતપૂર્વ સેનાની અફસરો તેમજ રાજનીતિજ્ઞાો પણ માને છે કે પાકિસ્તાને ચીન પર આ હદે ઝૂકી જઈને ભૂલ કરી છે. અમેરિકા અને પશ્ચિમ રાષ્ટ્રોની ધરીથી દૂર થતા જવું તે નાદાર જેવી પાકિસ્તાનના અર્થતંત્રને પરવડે તેમ નથી.

ભારતને દાયકાઓથી જ પ્રામાણિક અને ખેલદિલ ઇમેજનો ફાયદો થયો છે. પણ ટ્રમ્પની ચીનને મહાસત્તા બનતા અટકાવવાની જે વ્યૂહરચના છે તેમાં પાકિસ્તાનને દબોચવું પડે તેમ છે અને તેનો ફાયદો ભારતને થયો છે.

જો કે આ રાજનીતિના દાવપેચ અત્યંત પ્રવાહી હોય છે. ભારતે તેની પોતાની તાકાતથી જ પાકિસ્તાન અને ચીનને વશમાં રાખવું પડશે.

- પ્રસંગપટ

Comments