ATM ઘટતી સંખ્યા કથળેલા અર્થતંત્ર સામે અરીસો ધરે છે ?


સુત્ર આપવાથી કંઇ ના વળે ઈન્ટરનેટ, સ્પિડ, વીજળીનો પૂરવઠો અને સુરક્ષા ગોઠવવી પડે



ડિજિટલ ઈન્ડિયાનો ફિયાસ્કો: ૧૭.૯ કરોડ નાગરિકો પાસે ડેબિટ કાર્ડ પણ એક લાખ નાગરિકો દીઠ માત્ર ૧૮ જ છે


એક તરફ મોદી સરકાર અને ડિજીટલ ઈન્ડિયા અને ડિજીટલ કરંસીની ગુલબાંગો પોકારે છે અને બીજી તરફ પહેલેથી જ ખૂબ ઓછી સંખ્યામાં અને તે પણ મોટેભાગે બંધ હાલતમાં જ હોય તેવા ડબ્બાની જેમ પડયા રહેલા એટીએમ આવતા વર્ષે ૩૦થી ૪૦ ટકા માત્રામાં ઊઠાવી લેવામાં આવશે.

ડિજીટલ ઈન્ડિયા તરીકે વિશ્વભરમાં ડંકો વાગે અને ચર્ચા જામે એટલે દેશભરમાં નોટબંધી પછીના બે વર્ષમાં જ દેશમાં ૧૭.૯ કરોડ ડેબિટ કાર્ડ નાગરિકોને ઇસ્યુ થયા. પણ તેની સામે આ જ સમયગાળામાં દેશમાં માત્ર ૨૦૦૦ એટીએમ જ ખડા કરાયા.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાખો બેંક ખાતા ખોલવામાં આવ્યા અને તે સાથે જ ડેબિટ કાર્ડનો વ્યાપ પણ વધ્યો. ડેબિટ કાર્ડ તો ખાતાધારકોને મળ્યા પણ ગ્રામજનોના બેંક ખાતામાં રકમ તો હોવી જોઇએ ને કે તેઓ ડેબિટ કાર્ડનો વારંવાર ઉપાડ માટે ઉપયોગ કરે. બેકારી, ખેડૂતોની દયનિય સ્થિતિ અને આવકનું સ્ત્રોતની સરવાણી જ બેંક ખાતામાં ના વહે તો ડેબિટ કાર્ડ ખિસ્સામાં ઉલટુ ડંખતું હોય છે. આપણે અંગત રીતે  નાદાર જેવા છીએ તેનો એહસાસ કરાવે છે.

એટીએમમાં વિશેષ કરીને ગામડાઓમાં દિવસ દરમ્યાન કોઇ વ્યવહારો જ થતા નથી અને જે થાય છે તે ૨૦૦-૫૦૦ રૂપિયાના ઉપાડ માટે થાય.

બેકારો એસીની ઠંડક ખાવા એટીએમમાં ઊભા રહે છે. લાઇટ, એર કંડિશન, વોચમેન, મશીનમાં નાણા મૂકવા, સીક્યોરીટીથી માંડી મશીનના મેઇન્ટેનન્સ - ઘાટ કરતા ઘડામણ જેવા સ્થિતિ સર્જે છે. જે એટીએમ મશીનો પર નોંધપાત્ર પર નોંધપાત્ર વ્યવહાર થાય છે તેમાંના ઘણા સર્વરની, રોકડની કે ટેકનિકલ ક્ષતિઓ હોઇ ગ્રાહકો પરેશાની અનુભવે છે.

અત્યારે પણ એટીએમની સંખ્યાની રીતે ભારતની હાલત કફોડી છે ત્યારે આગામી મહિનાઓમાં એટીએમની સંખ્યા ૫૦ ટકા જેટલી ઘટશે ત્યારે ફરી ડિજીટલ ઈન્ડિયાની જગાએ મેન્યુલ બેંકિંગ તરફ આપણે વળી જઇશું. એટીએમની ભારતમાં વર્તમાન અછતના આંકડા જ જૂઓ. ભારતમાં ૧,૦૦,૦૦૦ની વસ્તી દીઠ ૧૮ એટીએમ જ છે જે આંક અમેરિકામાં ૧૭૩ અને ચીનમાં ૬૩ છે.

આંકડાને જરા જુદી રીતે જોઇએ તો એટીએમની સંખ્યા પરથી પણ અનુમાન બાંધી શકાય કે વિકાસ છેવાડા સુધી પહોંચ્યો નથી, શહેરોમાં એક લાખની વસ્તી દીઠ ૮૦ એટીએમ છે તેની સામે ગામડાઓમાં એક લાખની વસ્તી દીઠ ૧૦ જ એટીએમ છે.

રીઝર્વ બેંકના આંકડા પ્રમાણે જ ગામડાઓમાં અગાઉના વર્ષોથી બેંકોની શાખાઓમાં થાપણો, ખાતાની રકમ સ્થગિત જેવી જ હોઇ શાખાઓ બંધ થતી જાય છે. જો આ જ ઉપક્રમ રહેશે તો ગ્રામીણ ભારતની વર્તમાન શાખાઓમાંથી ૫૫ ટકા બંધ થઇ જશે અથવા એક જ ગામની બે શાખાના કામ ભેળવી દેવામાં આવશે.

અર્થતંત્રની પ્રવાહીતાના વિશ્લેષકો અને ડિજીટલ દુનિયાના નિષ્ણાતો કહે છે કે ડિજીટલ અર્થવ્યવસ્થા તો જ સફળ નીવડે છે જે અર્થતંત્રનો શહેર અને ગ્રામીણનો સમાન વિકાસ થાય. નાગરિકોની ખરીદ શક્તિ વધવી અનિવાર્ય છે. અમેરિકા જેવા દેશમાં એક બે ડોલરનું પેેેમેન્ટ પણ કાર્ડથી થાય છે. સરકાર 'ડિજીટલ ઈન્ડિયા'નો સંકલ્પ કરે કે નારો લગાવે તે સાથે જ સરકારની જવાબદારી વધી જાય છે. સૌથી પહેલા તો અર્થતંત્ર વિકસશે તેનો આત્મ વિશ્વાસ હોવો જોઇએ. 

બીજું ડિજીટલ ઈન્ડિયા બનાવવા માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી, સ્પીડ, સર્વરની સજ્જતા તેમજ એટીએમ બુથની સુરક્ષા મોટો પડકાર છે. આજે પણ ભારતમાં અંતરિયાળ ગામડાઓમાં કલાકો સુધી રોજ વીજળીનો પૂરવઠો ખોરવાઇ જાય છે. વડાપ્રધાન પાસે પૂરા પાંચ વર્ષની ટર્મ નિશ્ચિત હતી. 

ડિજીટલ ઈન્ડિયા કે જન ધન યોજનાની જાહેરાત કરવાની ઉતાવળ નહોતી. ખરેખર તો પહેલા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા તરફ લક્ષ્ય આપવાની જરૂર હતી. ખેડૂતોના અને સ્થાનિક ઉદ્યોગકારો, નાના વેપારીઓની કમાણી વધે તેઓ બેંકના ખાતા હોંશભેર ખોલાવે અને આર્થિક વ્યવહારો વધારે તેવું અર્થતંત્ર બને તે સાથે જ 'ડિજીટલ ઈન્ડિયા'નું સુત્ર વહેતું કરાય. પણ આ સાથે જ ગ્રાઉન્ડ રીયાલિટી અને તૈયારી તો જોઇએ જ બાકી  ફિયાસ્કા  જેવું લાગે જે અત્યારે થઇ રહ્યું છે.

નાગરિકોને એ વિશ્વાસ નથી જ રહ્યો કે અડધી રાત્રે ઈમરજન્સીમાં પણ તેને એટીએમમાંથી રોકડ મળી જ જશે. બેંકોની રજાઓ પણ એવી કે સળંગ ત્રણ-ચાર દિવસ હોય. બેંકો આવે વખતે જ પૂરતી રકમ એટીએમમાં નથી મૂકતી. ઘણી બેંકોને એટીએમ લૂંટાઇ જવાનો ભય છે કે કેમ કે રાત્રે તે સૂમસામ વિસ્તારમાં ભાસે છે.

હતાશ નાગરિકો એવી પણ શંકા કરે છે કે મોદી સરકારના મગજમાં 'કેશલેસ ઈન્ડિયા' બનાવવાની ધૂન સવાર છે તેના લીધે એટીએમ કે ફિઝિકલ કરન્સીને નહીવત્ રાખવા માંગે છે.

 ડિજીટલ કરન્સી કે ટ્રાન્ઝેકશનનો ડ્રાફ્ટ પણ તૈયાર છે. જો કે આ પણ હવાઇ તૂક્કા જેવું પૂરવાર થશે અને નોટબંધી જેવી હાલાકી સર્જશે કેમ કે ભારતના કેટલાક નાગરિકોને આ રીતે વ્યવહાર કરતા આવડે ? સ્માર્ટ ફોન એપની અનિવાર્યતા પર અર્થતંત્ર નિર્ભર ન હોવું જોઇએ.

- પ્રસંગપટ

Comments