સામ્યવાદને કારણે પછાત રહેલા ક્યુબામાં હવે મોબાઈલ ઈન્ટરનેટનું આગમન

અત્યાર સુધી ક્યુબામાં લોકો સરકાર આપે એટલું જ ઈન્ટરનેટ વાપરી શકતા હતા
કાર્લ માર્કસના ૨૦૦મા જન્મવર્ષે આખરે ક્યુબાએ સામ્યવાદના બંધનમાંથી મુક્ત થવાની શરૂઆત કરી ખરા
અમેરિકાની પાસે આવેલા અને ફિડેલ કાસ્ત્રોના શાસનને કારણે જગવિખ્યાત થયેલા સામ્યવાદી દેશ ક્યુબાએ હવે લોકોને ઈન્ટરનેટ સેવા પુરી પાડી છે. અત્યાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ ન હતું. 

પરંતુ ૬ઠ્ઠી ડિસેમ્બરથી દેશમાં મોબાઈલ ધારકોને પહેલી વખત થ્રી-જી મોબાઈલ સર્વિસ મળતી થઈ છે. અત્યાર સુધી લોકોને મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. 

લોકો મોબાઈલમાં સરકારી નેટવર્ક દ્વારા માત્ર ઈ-મેઈલ ચેક કરી શકતા હતા. પરંતુ હવે મોબાઈલ ઉપલબ્ધ થવાથી લોકો પોતાની ઈચ્છા પ્રમાણે વપરાશ કરી શકશે. અત્યાર સુધી ઈન્ટરનેટ વપરાશ પર ઘણા અંકૂશ હતા, જે હટાવાયા છે.

ક્યુબામાં કોઈને ઈન્ટરનેટ પોસાય એવી શક્યતા ઓછી છે. સામ્યવાદી દેશોમાં ભાગ્યે જ લોકોને કે આર્થિક વિકાસ થતો હોય છે. એટલે આખી દુનિયાએ સામ્યવાદને ત્યજી દીધો છે. પરંતુ  ક્યુબાના જડ શાસકો હજુ પણ એ આઉટડેટેડ અને બિલકુલ બિનઉપયોગી શાસનપદ્ધતિને વળગી રહ્યા છે.

 માટે જ્યારે આખી દુનિયા ફાઈવ-જી તરફ આગળ વધી રહ્યા છેે, ત્યારે ક્યુબાએ હજુ તો થ્રી-જીની શરૂઆત કરી છે. થ્રી-જી નેટવર્કને મંજૂરી આપી હોય એવો ક્યુબા દુનિયાનો છેલ્લો દેશ છે.

ઈન્ટરનેટ વાપરવા માટે લોકોએ મહિને ૧ જીબી માટે રૂપિયા સાડા પાંચસો જેટલી રકમ ચૂકવવાની થશે. ક્યુબાની ઘણી-ખરી પ્રજા ગરીબ છે. દેશની અડધી વસતી પાસે જ મોબાઈલ ફોન છે. 

એ સંજોગોમાં આટલુ મોંઘુ ઈન્ટરનેટ ત્યાંની પ્રજા વાપરી શકે એ વાતમાં ખાસ દમ નથી. તો પણ થ્રી-જી સેવાની ડિમાન્ડ વધી રહી હતી. માટે ક્યુબાની કંપની ઈટેસ્કાએ આખરે થ્રી-જી સર્વિસ શરૂ કરી હતી.

સામ્યવાદી શાસનથી કંટાળીને ક્યુબાના ૧.૧૦ કરોડ લોકોમાંથી હજારો લોકો તો દેશ છોડીને કમાણી માટે પરદેશ જતા રહ્યા છે. એ લોકો પરિવારજનો સાથે સંપર્ક માટે તેમનું ઈન્ટરનેટ બિલ નિયમિત ભરતા રહે છે. જોકે એ ઈન્ટરનેટ થ્રી-જી ન હતું, પણ અત્યાર સુધી જેમ-તેમ કરીને કામ ચલાવતા હતા. 

ક્યુબામાં સરકારે બનાવેલા ૧૨૦૦ વાઈ-ફાઈ સ્પોટ અને ૬૭૦ ઈન્ટરનેટ કાફે છે. લોકો ત્યાં એકઠા થઈને પરદેશમાં ફોન કરતા હોય કે મેસેજની આપ-લે કરતા હોય એવા દૃશ્યો ક્યુબામાં સામાન્ય છે. પરદેશમાં ગયેલા લોકો જ આ થ્રી-જીનું પણ બિલ ભરશે ત્યારે ક્યુબાના લોકો એ સેવાનો સરખી રીતે ઉપયોગ કરી શકશે.

ક્યુબામાં આ સુવિધા શરૂ કર્યા પછી પ્રમુખે કહ્યુ હતુ કે હવે દેશને આગળ લઈ જવા માટે કમ્પ્યુટરાઈઝેશન પણ કરવામાં આવશે. એટલે કે આખી દુનિયા જે વિકાસ-પથ અપનાવી ચૂકી છે, એ સામ્યવાદી શાસકો હવે ધીમે ધીમે અપનાવી રહ્યા છે. ક્યુબાની અમેરિકા સાથે ૧૯૬૨થી લઈને ૨૦૧૬ સુધી કટ્ટર દુશ્મની રહી છે. 

એ ઉપરાંત પણ દુનિયાના ઘણા દેશોએ ક્યુબા સાથે અંતર રાખ્યુ હતુ. માટે ક્યુબામાં ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપની અત્યારે તો ગણીને એક જ છે. ક્યુબા પછાત રહેવાનું કારણ તેનું સામ્યવાદી શાસન છે.

બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલા કોલ્ડવોર વખતથી ક્યુબા અને અમેરિકા વચ્ચે ખટરાગ ચાલ્યો આવે છે. એ બન્ને વચ્ચેનો વિવાદ જગ-જાહેર છે.  અમેરિકાનું પડોશી હોવાને નાતે ક્યુબા મૂડીવાદ અપનાવે એવી અમેરિકાની ઈચ્છા હતી. 

પણ ક્યુબાએ સામ્યવાદ અપનાવી રશિયન છાવણીમાં જવાનું પસંદ કરતાં અમેરિકા નારાજ થયુ હતું. એ પછી સતત સબંધો બગડતા રહ્યા હતા.૧૯૬૦ના દાયકાની શરૂઆતથી ક્યુબા અને અમેરિકા વચ્ચેના સબંધો તંગ રહ્યા છે. કાસ્ત્રોના શાસનમાં ક્યુબાની વધુ પડતી થઈ છે અને આજે તેની ગણતરી જગતના પછાત દેશોમાં થાય છે. 

બસ્સો વર્ષ પહેલા ૧૮૧૮માં જન્મેલા જર્મન વિદ્વાન કાર્લ માર્ક્સે એક વિચારધારા આપી હતી, જેને સામ્યવાદના નામે દુનિયાના ગણ્યા ગાઠયા દેશોએ અપનાવી હતી. એ વિચારધારા ક્યારની નકામી ઠરી ચૂકી છે. પરંતુ રશિયા અને પછી તેના પગલે ઉત્તર કોરિયા અને ક્યુબા જેવા દેશોએ મૂડિવાદ સામે બંડ પોકારવા સામ્યવાદી વિચારધારા અપનાવી હતી. 

રશિયાએ તો ભૂલ સમજાઈ એટલે તુરંત સામ્યવાદના વાઘા ફગાવી દીધા પરંતુ હજુ ઉત્તર કોરિયા અને ક્યુબાએ સામ્યવાદ પકડી રાખ્યો છે. હકીકત એ છે કે સામ્યવાદથી પ્રજાને ખાસ લાભ થતો નથી માટે આજે નહીં તો કાલે ક્યુબાએ તેનાથી છેડો ફાડવો પડશે. 

- પ્રસંગપટ

Comments