વિજય માલ્યાને નાણા મંત્રી ખખડાવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પંપાળે

ગડકરીનો બચાવ, બફાટ કે વ્યૂહાત્મક ચાલ

લોકસભાની ચૂંટણી વખતે વિજય માલ્યા હાજીર હો... પણ તેના પછી શું?


લંડનની કોર્ટે લિકર કિંગ વિજય માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપતો ચૂકાદો આપી લગભગ તેના કપડા ઉતારી લીધા અને એ પ્રકારની કોમેન્ટ કરી કે પોતે જ્વેલરીથી લદાયેલા રહીને તેણે ભારતના નાગરિકોના નાણાથી તાગડધિન્ના કર્યા છે. 

લંડન કોર્ટે તેઓના કાયદા પ્રમાણે ભારતની આર્થર રોડ જેલ કે જ્યાં સંભવત માલ્યાને સજાના ભાગરૂપે રાખવાના છે તેની સ્થિતિ માનવિય અભિગમ ધરાવતી છે તેવી વીડિયો જોયા બાદ આ ચૂકાદો જાહેર કર્યો હતો.

લંડન કોર્ટનો ચૂકાદો સ્પષ્ટ છે કે તમે માલ્યાને ભારત લઈ જઈને જેલ ભેગો કરી શકો છો. અમને પણ તે બેંકોની લોનનો ઈરાદાપૂર્વક અન્ય હેતુઓ માટે નાણા વેડફી વૈભવ કરનારો લાગ્યો છે. માલ્યાના વકીલોએ તેને જે સંજોગોના શિકાર છે તેમ જણાવી તેને ક્ષમા આપવી જોઈએ તેવી ધારદાર દલીલો કરી હતી. માલ્યાની લંડનની પ્રોપર્ટીની પણ નીલામી થઈ હતી.

હજુ માલ્યા પાસે ઉપલી કોર્ટ અને કમિશનમાં આ ચૂકાદા સામે અપીલ કરવાના વિકલ્પ છે અને તે સ્વાભાવિકપણે તેમ કરશે જ. આ કાયદાના નિષ્ણાતો એવું માને છે કે જો માલ્યા તેમાં પણ હારી જાય તો પણ કમ સે કમ તેને ભારત લાવવા માટે છ મહિના તો લાગી શકે છે.

હવે ભારતના અને એનડીએ સરકારના સિનિયર નેતા નીતિન ગડકરી કે જેઓ કેન્દ્રના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રધાન છે તેમણે અર્થતંત્ર, કોર્પોરેટ જગત, મીડિયા તેમજ મેનેજમેન્ટના બૌધ્ધિકોની હાજરીમાં ભારે આઘાતજનક નિવેદન કર્યું કે વિજય માલ્યાને 'કરૂબાજ' કે 'ઠગ' કહેવો તે યોગ્ય નથી. 

તે દાયકાઓથી ધંધો કરતો આવ્યો છે અને ભુતકાળમાં બેંકોની જવાબદારી નિયમિત રીતે અદા કરતો આવ્યો છે. મહારાષ્ટ્રમાં-મુંબઈ વગેરેમાં તેનો કારોબાર, અર્થ વ્યવસ્થામાં કોઈ ફરિયાદ નથી ઉઠી. હાલ તે બદનામ થયા છે તેમાં ધંધાની વિષમ સ્થિતિ અને સંજોગોની ભીંસમાં તે આવી ગયા હતા.

લંડનની કોર્ટને પણ ગડકરીએ આવી જાહેર મંચ પરની કોમેન્ટથી અપમાનિત કરીને તેને આડકતરી રીતે અન્યાયરૂપ ચૂકાદા માટે નિર્દેશ કર્યો છે. હજુ આ મેટર લંડનની ભુમિ પર 'સબજુડાઈસ' કહેવાય કેમ કે માલ્યા તેને આગળ કોર્ટ અને કમિશનમાં પડકારવાના છે. આવા સંજોગોમાં શાસક પક્ષના જ સિનિયર નેતા અને મંત્રી એક કોન્કલેવમાં માલ્યાને દૂધે ધોયેલા જાહેર કરે અને ભારતભરના મીડિયામાં તે હેડલાઈન સાથે ચમકે તેનાથી લંડનની કોર્ટ અને કમિશનનું પણ માલ્યા માટે કુણું વલણ કે તેને અન્યાય તો નથી કરાતો તેવી શંકા જન્મી શકે. 

માની લો કે લંડનની ઉપલી કોર્ટ પણ માલ્યાને ભારત પરત મોકલતો ચૂકાદો જારી જ રાખે તો પણ ગડકરીએ શાનમાં ભારતની સીબીઆઈ, કોર્ટ કે અન્ય ઓથોરિટીને પણ આડકતરી અંગત ભલામણ કરી દીધી છે કે માલ્યાને ફુલેકુબાજનું લેબલ ના લગાવો.

આ બધું ફિક્સિંગ હોય તેવી જ નાગરિકોમાં શંકા જન્મવા માંડી છે કેમ કે ગડકરીના આવા આઘાતજનક નિવેદનના થોડા દિવસો પહેલા જ માલ્યાએ આબાદ રીતે લંડન કોર્ટનો ચૂકાદો તેની વિરૂધ્ધમાં જશે તેવું પારખી લેતા એવી જાહેરાત કરી હતી કે તે બેંકોનું અને અન્ય પાઈએ પાઈ દેવુ ચૂકતે કરવા તૈયાર છે. હા, વ્યાજ નહીં ચૂકવું કેમ કે તે અંગેનો કેસ કર્ણાટકની કોર્ટમાં ચાલે છે.

જો માલ્યા ખરેખર આવી શુભ દાનત રાખતા જ હતા તો તેમણે કેમ ભારતમાં આ પ્રસ્તાવ નહતો મૂક્યો? કેમ લંડન જઈને તરત આવી તૈયારી નહોતી જાહેર કરી? આ જ બતાવે છે કે માલ્યાને એમ હતું કે કદાચ કેસ તેની તરફેણમાં આવે તો બેંકોના રૂ. ૯૦૦૦ કરોડનો ઉલાળિયો ભલે થયેલો રહે.

રાજકીય શતરંજ જૂઓ. એક તરફ ગડકરી માલ્યાને શંકાનો લાભ આપે છે અને બીજી તરફ મોદી સરકારના નાણા મંત્રી લંડનના ચૂકાદામાં સરકારની જીત તેમજ કોઈપણ નાણાકિય ગેરરિતિ કરનારાને નહી છોડવામાં આવે તેમ જશ લેતા અમે માલ્યાને પરત લાવવાના ચૂકાદામાં સફળ થયા તેમ બડાશ હાંકે છે.

શક્ય છે કે માલ્યાને બરાબર મે મહિનાની ચૂંટણી વખતે જ ભારતમાં પરત લાવવાનું મુહૂર્ત ઘડાશે. નિરવ મોદી અને મેહૂલ ચોક્સી પણ ભારત પરત ફરે. મોદી સરકારને રેલી પ્રચારમાં બાવડા ફૂલાવવા મળશે. પણ ચૂંટણી પુરી થયા પછી ગડકકરી જેવા માલ્યાને કવચ પુરુ પાડતુ વાતાવરણ ઘડે. ખરેખર રાજકારણીઓને કોઈ ના પહોંચે. દેશના નાગરિકો રિંગણા, બટાટાના ભાવ જાણવામાં જ વ્યસ્ત છે.

- પ્રસંગપટ

prasangpat-19-desember-2018

Comments