કેરળમાં ભાજપ અને ડાબેરી સરકાર વચ્ચે શરમજનક સંઘર્ષ
ભાજપ જ્યાં પ્રભુત્વ હતું ત્યાં પકડ ઢીલી પડતા હવે દક્ષિણ ભારતમાં નજર દોડાવે છે
ભાજપ તેના હાર્દસમાન ત્રણ રાજ્યોમાં હાર્યું છે અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ તેનો ગ્રાફ નીચે જ ઉતરતો જાય છે ત્યારે ભાજપ હાઈકમાન્ડ પણ પામી ગયું છે કે તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં ૨૦૧૪ પૈકીની નિર્ણાયક અને સત્તા બહાર ફેંકી દઈ શકે એટલી બેઠકો ગુમાવી પડે તેમ છે.
આથી જ તેઓ અન્ય રાજ્યો કે જેમાં ભાજપની કોઈ હાજરી જ નહોતી અને ભાજપને તેની હિન્દી બેલ્ટ તેમજ ગુજરાતમાં ઈજારાશાહી જેવી સ્થિતિ હોઈ પરવા પણ નહોતી પણ હવે ભાજપના કેમ્પમાં પેનિક બટન દબાઈ ચૂક્યું છે ત્યારે બંગાળથી માંડી કેરળ સહિતના દક્ષિણ ભારતીય રાજ્યો પર જે એક-બે બેઠકો મળે તો વાળતી-ઝૂડતી ગણતરીમાં કામ લાગે તેવી રણનીતિમાં લાગી ગયું છે.
કદાચ ભાજપને એમ પણ હોય કે આ ચૂંટણીમાં નહીં તો ૨૦૨૪ની ચુંટણી વખતે સાઉથ ઈન્ડિયા, બંગાળ, નોર્થ ઈસ્ટમાં વધુ પગ જમાવીને ઉતરી શકાય.
આવી જ રણનીતિના ભાગરૂપે કેરળમાં ભાજપે સબરીમાલા વિવાદને ઉછાળી તેને વેગ આપવાનું જારી રાખ્યું છે. કેરળમાં સુપ્રીમ કોર્ટે સબરીમાલાના મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને દર્શન માટે મુક્તિ આપી છે પણ કેરળની જ મહત્તમ મહિલા શ્રધ્ધાળુઓ સ્વયંભુ ભગવાન અયપ્પાને કોપાયમાન ના કરાય અને પરંપરાને ના તોડાય તેવી શ્રધ્ધા સાથે મંદિરમાં નથી જતી.
આની સામે કેટલીક એકટિવિસ્ટો કે જે ડાબેરી વિચારસરણીની હોવાનું મનાય છે તે ધરાર મંદિર જાય છે. કેરળની ડાબેરી સરકાર પર કેરળના શ્રધ્ધાળુઓ એવો આરોપ મુકે છે કે તેઓ રાજ્યવ્યાપી રોષનું શમન કરવા નાગરિકો પર દમન કરે છે. જુલમ-બળ આચરે છે.
ભાજપ હિન્દુ લાગણી અને પરંપરાની હિમાયત કરતા નાગરિકોની સાથે છે અને તેની રાજનીતિ ખેલે છે. કેરળની સરકાર આરોપ મુકે છે કે ભાજપ અને સંઘ જાણી જોઈને નાગરિકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરવા પ્રેરે છે અને ભીડ જમાવી મંદિરની બહાર હિંસા અને દમનનું દ્રશ્ય ખડું થાય તેવો માહોલ સર્જે છે.
આવા વાતાવરણ વચ્ચે એવી ઘટના બની કે ભાજપના નેતા અને કાર્યકરો સબરીમાલાના કેસ બાદ કેરળની સરકારના શ્રધ્ધાળુઓ પરના દમનનો વિરોધ કરતા ઉપવાસ પર બેઠા હતા ત્યારે વહેલી પરોઢે ભાજપની ખેડૂત એકમ ભારતીય કિસાન મઝદૂર સંઘનો એક આગેવાન તે ઉપવાસ છાવણીથી થોડે દૂર અચાનક શરીરે કેરોસીન છાંટી ભડકે બળતા દોડી આવ્યો હતો.
ભાજપના ઉપવાસી કાર્યકરોએ પાણી રેડી તેમજ અન્ય રીતે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ નીવડયા હતા. ભાજપના કાર્યકરોએ મીડિયાને એમ કહ્યું હતું કે તે આગની જ્વાળા સાથે દોડતો આવ્યો હતો ત્યારે 'ભગવાન અયપ્પાની જય, તમારા માટે આ આત્મવિલોપન' તેવી બૂમો પાડતો હતો.
જોકે હોસ્પિટલમાં મૃત્યુ પામતા પહેલા તેણે આવું કોઈ નિવેદન નથી આપ્યું તેમ પોલીસ કહે છે. પોલીસે એવી પણ જાહેરાત કરી કે તપાસ કરતા માલૂમ પડયું કે આ વ્યક્તિની આત્મહત્યાને સબરીમાલા જોડે કોઈ સંબંધ નહોતો. તેના પરિવારના મતે તે કુટુંબ ક્લેહને લીધે ડીપ્રેશનથી પીડાતો હતો.
ભાજપના નેતાઓ કહે છે કે પોલીસ કેરળ સરકારના દબાણ હેઠળ આ રીતે નિવેદનો કરીને કેસ ફાઇલ કરી દે છે. જેથી નાગરિકો ઉશ્કેરાય નહીં. જો આવું જ ચાલશે તો આત્મવિલોપનની ઘટનાઓ હજુ વધતી જ જશે.
ભાજપ કેરળ સરકાર કેસ દબાવી દેવા માંગે છે તેવો આરોપ મુકતા એમ પણ કહે છે કે જો ભાજપ કાર્યકરે આત્મવિલોપન અંગત ઘરેલું કારણોસર કર્યું તો પછી પરોઢે તે તેના ઘરનો વિસ્તાર છોડીને ભાજપની ઉપવાસ છાવણી પર કેમ આ ઘટનાને આકાર આપવામાં આવ્યો ? તે ભગવાન અયપ્પાના સન્માનમાં જ બૂમ કેમ પાડતો હતો.
જોકે ભાજપ કે જે દેશનો શાસક પક્ષ છે તેણે કોર્ટના ચુકાદાને માન આપવું જોઈએ. અન્ય દેવ સ્થળોએ પણ મહિલાને પ્રવેશને કોર્ટે ચુકાદા આપ્યા છે ત્યાં ભાજપ કેમ તે રાજ્યોમાં આ મામલે શાંત છે ? તેવા પ્રશ્નો પણ કેરળની સરકાર કરે છે જે વાજબી તો લાગે જ છે.
હા, એક ચર્ચા જરૂરી પણ છે કે શું સુપ્રીમ કોર્ટે ધાર્મિક ટ્રસ્ટો, માન્યતા અને નાગરિકોની શ્રધ્ધાની ઉપરવટ થઈને ચૂકાદા આપવા જોઈએ ? સુપ્રીમ કોર્ટે લગ્ન સંસ્થા અને પતિ-પત્નીના મુક્ત સેક્સની પરવાનગી આપીને પણ ટીકા તો વહોરી જ છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment