દેવા અને વ્યાજખોરોનું ચક્કર
મધ્યમવર્ગ પણ દેવા માફી માગે છે કોના બાપની દિવાળી જેવો ઘાટ
દેવું એ દેવું છે. પછી ભલે તે કિસાનોનું હોય કે વિજય માલ્યાનું હોય ! કિસાનોના દેવા માફીનું ચક્કર રાજકીય પક્ષોએ લોકપ્રિય થવા શરૂ કર્યું છે જેથી તે વધુ વેગ સાથે ફરશે.
અહીં કિસાનોના દેવા માફ કરવા એ કિસાન પ્રેમ નથી પણ કિસાનોના મત લેવાની એક ચાલ માત્ર છે. રાજકીય પક્ષોની આ નાટકબાજી 'હું તો મરું પણ તને પણ મારું' જેવો ઘાટ છે.
દેવું એ એવો રાક્ષસ છે કે તેનો હાથ જેના માથે પડે તેનો નાશ થાય છે. કિસાનોના જંગી દેવા પાછળનું કોઈ કારણ હજુ શોધાયું નથી. કિસાનોના આપઘાતની ગણત્રી થાય છે પણ મધ્યમ વર્ગના આપઘાત કે તેમની મરી- મરીને જીવવાની સ્થિતિ અંગે કોઈ વિચારતું નથી. જો મધ્યમવર્ગની આર્થિક સ્થિતિનું આકલન થાય તો આ માણસ દર મહિને વધુ ને વધુ ભીંસ અનુભવી રહ્યો છે. કદાચ કિસાનો કરતા ય વધુ આપઘાત મધ્યમવર્ગ કરતો હશે એમ કહી શકાય.
દેવા કે વ્યાજખાઉ લોકોના ચક્કરમાં સપડાયેલો મધ્યમ વર્ગ લગભગ મરેલી સ્થિતિમાં હોય છે. ક્રેડિટકાર્ડ ઇસ્યુ કરતી બેંકો તો ૧૮ ટકાથી વધુ વ્યાજ ઉપરાંત વિવિધ ચાર્જીસ મારફતે લોકોને ખંખેરે છે.
ક્રેડિટકાર્ડ ઇસ્યુ કરતી બેંકો મધ્યમ વર્ગને છૂટા હાથે કાર્ડ આપે છે અને પછી મીનીમમ ડયૂના બહાને તેમને લૂંટયા કરે છે. ક્રેડિટ કાર્ડના મીનીમમ ડયુ બે દિવસ મોડા પડે તો પણ બેંકો તગડો દંડ કરતી હોય છે.
મધ્યમ વર્ગ દેખાદેખીમાં ખર્ચા કરે છે પણ તે ભરપાઈ કરી શકતો નથી પોતાના ગાલે જ લાફો મારીને ગાલ લાલ રાખવાની નીતિ તેને પોતાને જ ભારે પડી રહી છે. ક્રેડિટકાર્ડ તેનો કપરો સમય કદાચ સાચવી લે છે પણ ઓવરઓલ તેને ખોટા ખર્ચામાં ધકેલી દે છે.
ઓનલાઇન ખરીદી કરનારાઓ પણ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને ખર્ચની માત્રા વધારી દે છે. આ ખર્ચ દર મહિનના સ્ટેટમેન્ટમાં આવી જાય છે. જે લોકો દર મહિનાની આવક એટલે કે પગાર તારીખની રાહ જોયા કરતો હોય છે. તેના માટે મૂળ એમાઉન્ટ કરતા મિનિમમ એમાઉન્ટ ભરવું વધુ હિતાવહ હોય છે.
ક્રેડિટકાર્ડના કારણે લોકોના હાથ વધુ છૂટ્ટા થયા છે. તે વધુ વાપરતો થયો છે પણ તે ખર્ચને ભરપાઈ કરવામાં તે તાગડધિન્ના પણ કર્યા કરે છે.બેંકોના દેવા, પોન્ઝી સ્કીમોમાં ફસામણી, દોરા-ધાગામાં વિશ્વાસ રાખતો અને સમૃદ્ધ થવા સતત સપનાં જોતો મધ્યમ વર્ગનો માણસ સંઘર્ષમાંથી ઉંચો નથી આવતો.
કિસાનોને રાજકીય આશ્રયનો પ્રેમ મળે છે. મધ્ય પ્રદેશમાં જ્યારે મુખ્યપ્રધાન કમલનાથે શપથ લીધા તેના ૨૪ કલાકમાં જ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. કોંગ્રેસે કિસાનોને આપેલું વચન નીભાવ્યું છે. કિસાનને દેવાદાર અને નબળો ચિતરવામાં આવ્યો છે.
કિસાનોના દેવા માફી એ ઠંડીમાં ગરમીના અહેસાસ સમાન છે. કિસાનોના માથેથી ભાર ઉતારાયો તે વાત આવકાર્ય છે પરંતુ કિસાનને ખર્ચા કેમ કરવો, બચત કેવી રીતે કરવી, ઉત્પાદન કેવી રીતે વધારવું વગેરેનો ખ્યાલ આપવો જરૂરી છે. દેવા માફ કરે પણ કિસાન ઠેરનો ઠેર રહેવાનો છે.
કિસાનને ડગલે ને પગલે સરકારની સહાયની જરૂર પડતી થઈ ગઈ છે. આજે જેમના દેવા માફ થઈ ગયા છે તે ફરી એકવર્ષ બાદ દેવાદાર બની જવાના છે.
કિસાનોના દેવામાફીની વાત ગળચટ્ટી લાગે છે પણ આવી માફી આપતા રાજ્યો દેવાળીયા બની ગયા છે. કોંગ્રેસની વ્યૂહરચના એવી છે કે હવે દેવા માફીથી રાજ્યો પર પડતો બોજ હલકો કરવા કેન્દ્ર પાસે પૈસા માગશે. જો કેન્દ્ર પૈસા નહી આપે તો કહેશે કે કિસાનોના મુદ્દે કેન્દ્ર મદદ નથી કરતું આમ, કોંગ્રેસ સંઘર્ષના મૂડમાં છે.
હજુ મધ્યમ વર્ગ તેમજ સ્મોલ સ્કેલ ઉદ્યોગોના કર્જ માફ કરવાનું કોઈ ગતકડું બજારમાં આવશે. ભારતની પ્રજાને આ 'માફી' નામનો વાયરસ માફક આવી ગયો છે. જેમ કિસાનોના દેવા માફ થાય છે એમ નીચલા મધ્યમ વર્ગની કોઈ પર્સનલ લોન હોય તો તે માફ કરવાની રજૂઆત થશે માફીના આ માહોલમાં રાજ્ય સરકારના દેવામાં વધારો થશે.
જો કે આ તો કોના બાપની દીવાળી જેવો ઘાટ છે.એક સમયે જેને જગતનો 'તાત' કહેવાતો હતો તે કિસાન આજે દેવામાફી મેળવવાની લાઇનમાં ઉભો છે. દેવામાફી મેળવ્યા બાદ તેણે સમજવું જોઈએ કે તે કોઈ રાજકીય પક્ષનો હાથો તો નથી બન્યો ને ?
દેશને બમણું વળતર આપવાનું કિસાનોએ વિચારવું પડશે.
- પ્રસંગપટ

Comments
Post a Comment