દિલ્હી પોલીસ પર કેજરીવાલ સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છી રહ્યા છે

પોલીસને ઠોલ્લા કહેવાનો કેસ પણ તેમની સામે થયો હતો
કેજરીવાલનો મૂળ આઇડયા દિલ્હીમાં ચાલતી રાજકીય ગતિવિધિ પર નજર રાખવાનો છે
દેશના માત્ર એક રાજ્યના મુખ્યપ્રધાનજ એવા છે કે જેમને સતત હુમલાનો ડર સતાવે છે. 

છેલ્લા કેટલાક દિવસોથી કેજરીવાલ પર મરચું નાખવાથી માંડીને તેમની સભામાં હથિયાર લઇને આવનાર જેવી ઘટનાઓ બની ત્યારે એમ લાગતું હતું કે આ માણસની પાછળ કોઇ કાવત્રું રચી રહ્યું છે પરંતુ જ્યારે તેમણે એમ કહ્યું કે મારા પરના હુમલા પાછળ વડાપ્રધાન જવાબદાર છે ત્યારે એમ થયું હતું કે આ તો રાજકીય પ્રસિધ્ધિ મેળવવાની કોઇ ચાલ સિવાય બીજુ કશું નથી. 

આવી ઘટનાઓ બનવાના બીજા દિવસે કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી પોલીસનો વહિવટ આમ આદમી પાર્ટીની સરકારને સોંપી દો. તેમની ડિમાન્ડ ઘણા સમયથી ચાલી આવી છે. તેમને અને તેમના વિધાનસભ્યોને જે રોફ મારવો છે તે મરાતો નથી. દિલ્હીની પોલીસ તેમને કે તેમના વિધાનસભ્યોને સલામ નથી મારતી અને તેમના કોઇ આદેશ ચાલતા નથી. 

શા માટે કેજરીવાલ દિલ્હીની પોલીસ પર કંટ્રોલ રાખવા માંગે છે ? તેમનું એવું માનવું છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના આદેશો પર તેમનું નિયંત્રણ હોવું જોઇએ. પોતે સિક્યોરીટી નહીં રાખે એમ કહેનાર કેજરીવાલ ચૂંટણી પછી તરતજ સિક્યોરીટીના કવચમાં રહેતા થઇ ગયા છે. 

દિલ્હીની પોલીસ પર નિયંત્રણ માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવાયું હતું. જેમાં ઠરાવ પાસ કરાયો હતો.. દિલ્હીની પોલીસ કેજરીવાલ સરકારને જવાબદઇ  રહે એમ જણાવાયું છે. ટકૂંમાં કેજરીવાલ દિલ્હીની પોલીસને પોતાના હાથ નીચે રાખવા માંગે છે.

કેજરીવાલ જાણે છે કે કેટલીક માંગણીનો અમલ શક્ય નથી પરંતુ  વિવાદ કરવામાં વાંધો શું ? દિલ્હીમાં સતત આવતા રહેતા વિદેશના મહેમાનો માટે પોલીસ પ્રોટેક્શન વગેરે મહત્વના હોય છે.  હાલમાં સ્થિતિ એ છે કે દિલ્હીમાં કોણ આવે છે અને કોણ જાય છે તેનું કોઇ બ્રીફીંગ કેજરીવાલને નથી કરાતું. ટોપના ડેલીગેટ્સ આવે છે પણ કેજરીવાલ અને તેમના મળતીયા તેનાથી અજાણ રહે છે. 

ભૂતકાળ પર નજર કરીએ તો કેજરીવાલ અનેક પોલીસો સાથે ઘર્ષણમાં ઉતરી ચૂક્યા છે. પોલીસને ઠોલ્લા કહેવાનો કેસ પણ તેમની સામે થયો હતો.  કેજરીવાલે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોલીસ સામે બદનક્ષી ભર્યો શબ્દ વાપર્યો હતો. ૭મે ૨૦૧૬ના આ કેસમાં જો કે કેજરીવાલને નિર્દોષ છોડી મુકયા હતા. 

અણ્ણા હજારેની નેતાગીરી હેઠળ જ્યારે લોકપાલ માટેનું આંદોલન થયું ત્યારે પણ કેજરીવાલ પોલીસ સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા હતા. કેજરીવાલ સાથેના ઘણા જુના સાથીઓ તેમને છોડી ગયા છે. 

છેલ્લે આસુતોષે તો રોતાં રોતાં આમ આદમી પાર્ટી છોડી હતી. જ્યારથી વિપક્ષોની એકતાની બેઠકોમાં તે જોડાવા લાગ્યા ત્યારથી તે કદાચ મોટો રાજકીય લાભ મેળવવાના દિશામાં આગળ વઘતાં હોય એમ લાગે છે. પોલીસ પરનો કન્ટ્રોલ પણ કોઇ ગહેરી ચાલ જેવી માગ હોવાનું મનાય છે.

કેજરીવાલનો મૂળ આઇડયા દિલ્હીમાં ચાલતી રાજકીય ગતિવીઘી પર નજર રાખવાનો છે. લોકસભાની ચૂંટણીઓ આવશે એટલે કોણ કોને મળે છે  અને શું રંધાય છે તેની વિગત મેળવવા તે માંગે છે.  દિલ્હીની પોલીસ પરનો કંટ્રોલ જ તેમને આવી માહિતી આપી શકે છે.

આ રીતે તે વિપક્ષી નેતાઓને ઉપયોગમાં આવવા મથે છે. કેજરીવાલ એક એવું વ્યક્તિત્વ છે કે જે રાજકીય સત્તાના અહમમાં ફર્યા કરે છે. લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરવા તેની આવડત તેમણે હસ્તગત કરેલી છે. પંજાબ વિધાનસભાની ચૂેટણીમાં તેમનો નબળો દેખાવ સૌએ જોયો છે. 

તેમને એમ હતું કે તેમના વિચારસરણી સાથે પંજાબના લોકો સંમત થશે પરંતુ પંજાબે તેમને એવો જાકારો આપ્યો હતો કે ફરી કોઇ વિધાનસભા લડવા તે તૈયાર નહોતા થયા. દિલ્હીમાં પણ તેમની કામગીરી સામે વિરોધ છે પરંતુ હુમલા જેવા વિવિધ ગતકડાં ઉભા કરીને તે સમાચાર માધ્યમોમાં છવાઇ જવાની કોશિષ કર્યા કરે છે. 

રાજકારણમાં આવેલા શા માટે ડરપોક હોય છે તેજ ખબર નથી પડતી. કોઇ આવીને આંખમાં મરચાનો પાવડર નાખે કે તેમની સભામાં કોઇ હથિયાર લઇને આવે એટલે હાય..હાય..મને મોદી મારી નાખવા માંગે છે તેવી બુમો પાડવાથી પોતે કેટલા બીકણ છે તે ખુલ્લું પડી જાય છે. કેજરીવાલની નાટકબાજીથી પ્રજા પણ પરિચિત છે. 

પોલીસ પર કંન્ટ્રોલ રાખવાની તેમની વાત સપનાં સમાન છે.  દિલ્હીના લેફ્ટનન ગવર્નર સાથે સતત સંધર્ષમાં રહેતા અરવિંદ કેજરીવાલની સમાચાર જગતમાં સતત છવાઇ રહેવાની ચૂલના કારણે તે લોકોમાં ખુલ્લા પડી ગયા છે. રાજકીય તખ્તા પર તે પોતાની બોલ્ડ ઇમેજ હજુ ઉભી કરી શક્યા નથી.

- પ્રસંગપટ

Comments