જમીનો પડાવી લેવાનો ધીકતો ધંધો: ખાલી જમીનો સામે જોખમ

પડતર જમીન જોઈ લોકોની ડાગળી ચસકે છે
જમીનનો એકાદ ટુકડો હોય તો તેને સતત ટેન્સન ઉભો કરતો મુદ્દો બને છે

જમીનો પડાવી લેવાનું કૌભાંડ એ ધીકતો ધંધો છે. અમેરિકાના લોપા મહેતા જેવા અનેક લોકો છેતરાતાં આવ્યા છે. જમીનનો એકાદ ટુકડો તમારે નામે હોય તો તેમાં હરખાવવાની જરૂર નથી તે હવે ટેન્સનનો વિષય બની ગયો છે. જમીન પચાવી પાડવાના ધંધા પાછળ આખુ નેટવર્ક કામ કરતું હોય છે. પોલીસ તંત્ર પણ તેમાં મૂંગી ભાગીદારી નિભાવતી હોય છે.

જમીનો પચાવી પાડવાના બહુ ઓછા કિસ્સા છાપે ચઢે છે. અનેક કિસ્સામાં જમીનનો માલિક સરંડર થઇ જાય છે તો અનેક કિસ્સામાં માલિક અને તેના કુટુંબીજનો અદ્રશ્ય થઇ જાય છે કે બીકના માર્યા ભાગી જાય છે.

જમીન દલીલો પણ અંદરો-અંદર લડાઈ પર ઉતરી આવે છે. કરોડોની જમીનમાં ત્રણ ટકા દલાલી મળતી હોય છે. પાંચ કરોડની જમીનમાં તે પંદર લાખ થઈ. આ દલાલી બંને પક્ષે લેવાય છે. આમ દલાલને ૩૦ લાખ રૂપિયા મળે છે.

કેટલાક દલાલો ગામડામાં કિસાનોને એડવાન્સમા બાનુ આપીને જમીન પોતાની છે એવો દાવો કર્યા કરે છે. બા નાની મુદત તે લંબાવ્યા કરે છે. તેમના ધંધાની સિસ્ટમનો આ એક ભાગ હોય છે.

મોટા ભાગના બિલ્ડરોને ત્યાં મહેસુલ ખાતાના નિવૃત્ત કર્મચારી કામ કરતા હોય છે. તેમની સાથે જમીનની માપણી કરતા સર્વેયર અને જમીન કપાતમાં જાય છે કે કેમ તેની માહિતી હોય છે. આવા બિલ્ડરો મસલમેન તેમજ રહે એનું ઘરવાળી ફોર્મ્યુલામાં માનતા હોય છે.

ખાલી જમીન જોઇને તેમની ડાગળી ચસકે છે. પોતાની ટોળકી અને પોલીસોના મેળાપણાથી તે કબજો જમાવી દે છે. જમીન માલિક આવે ત્યારે પોતાની જમીનના માલિક તે પોતે છે એવું સાબિત કરવા કોર્ટના ધક્કા ખાવા પડે છે.

જમીનોના ભાવો વધ્યા ત્યારથી જમીન પચાવી પાડવાનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે. જમીનની દલાલી કરનારા સમય જતાં મોટા બિલ્ડર બની જતા હોય છે. કોઇ ગામમાં તમારે જમીન ખરીદવી હોય તો ગામના પાનના ગલ્લાં વાળાને પૂછો તો કોને વેચવાની છે અને કઇ પાર્ટી કાચી પડી છે તેની માહિતી મળી જાય છે. આવા ગલ્લાવાળાનો સાઇડ બિઝનેસ જમીન દલાલીનો હોય છે.

હવે તો ખાલી બંગલા પડાવી લેવા અને ખાલી ફલેટોમાં પણ લોકો ઘૂસી જાય છે. બાજુમાં કોણ અવર-જવર કરે છે તે જોવાની સિસ્ટમ બંધ થઇ ત્યારથી આવી ઘટનાઓ વધુ બનવા લાગી છે. એક તરફ પૈસાદાર વર્ગ નમ્ર અને બહુ માથાકૂટ કરતો ના હોવાથી માથાભારે લોકોને મનમાની કરવાનું મળી જાય છે.

કોઈ પોતાની જમીનને દિકરાની જેમ સાચવતું હોય અને તેની જાણ બહાર તેનો સોદો થાય તો કેવો આઘાત લાગે તે તો જેની જમીન ગઈ હોય તેને જ ખબર પડે !!

આપણે ત્યાં જર-જમીન ને જોરુ ત્રણેય કજીયાના છોરું એ કહેવત છે. આ ત્રણેયમાં જમીન સૌથી વધુ કજીયો કરાવે છે. માત્ર કજીયો નહીં પણ ખૂના-મરકી પણ ફેલાવે છે.

બોલીવુડી ફિલ્મ 'ઘોસલા કા ખોસલા'માં જમીન પચાવી પાડતા માથાભારે લોકો અને તેમને પણ ભોટ બનાવીને સરકારી જમીન પધરાવતા કોમનમેન જોવા મળયા હતા. આવી ફિલ્મો જાગૃતિ ઉભી કરતી હોય છે.

અમેરિકાના લોપા મહેતાની જમીન કરોડો રૂપિયાની હતી. તે અમેરિકામાં રહેતા હતા. તે વડોદરા આવ્યા ત્યારે દસ્તાવેજની ખબર પડી. કોની સહી, અને કોનો દસ્તાવેજ ! બિચ્ચારા હેબતાઇ ગયા હતા. કરોડોની જમીન હડપ કરવામાં ભાજપના માથાં પણ સંડોવાયા હતા.

એટલે જ સંસારના અનુભવીઓ કહે છે કે તમારી પાસે જમીન હોય તો તેના પર તમારી નજર સતત હોવી જોઇએ. તેના ૭ / ૧૨ નો ઉતારો દર મહિને ચેક કરવો જોઈએ. મહેસુલ ખાતામાંના ભ્રષ્ટાચાર અંગે તો ખુદ મુખ્ય પ્રધાન રૂપાણીએ ખુદ ઉલ્લેખ કર્યો છે. આ સંજોગોમાં જમીન સાચવવા માટે તેની અવાર-નવાર મુલાકાત જરૂરી બને છે.

તમારી પાસે ગામમાં જમીન હોય તો તેના દસ્તાવેજોની ફાઇલ અલગ રાખજો અને દર મહિને તેનો ૭ /૧૨ નો ઉતારો ચેક કરજો. હવે કોમ્પ્યુટર પર તે ચેક કરવું આસાન બની ગયું છે.

- પ્રસંગપટ

Comments