હાર્વર્ડના નિષ્ણાતો પણ ગોથા ખાય એવું કુંભમેળાનું અર્થશાસ્ત્ર

કુંભમેળાનું બજેટ રૂ. 42,000 કરોડ
શ્રધ્ધાળુ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા ખર્ચે તો 12 કરોડના કેટલા થાય ?

કુંભમેળામાં કરોડો લોકો ઉમટયા છે. આ કરોડો શ્રધ્ધાળુઓનો વહિવટ ભીડનું મેનેજમેન્ટ કરનારાઓ કરતા હોય છે. ભીડ મેનેજમેન્ટ માટે કોઇ ચોક્કસ ક્લાસ નથી હોતા. જે આયોજન પાછળ કરોડો ખર્ચવામાં આવે છે તેનો લાભ સૌ આસાનીથી ઊઠાવે તેમજ દરેકની સગવડ સચવાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં સરકાર અખિલેશની હોય કે યોગી આદિત્યનાથની હોય પણ કુંભમેળાનું મેનેજમેન્ટ તેમની ઊંઘ હરામ કરી નાખે છે.

કુંભમેળા પાછળ રોકાતો પૈસો તેની પાછળનો આર્થિક વહિવટ વગેરે જાણવા વિશ્વની શ્રેષ્ઠ મનાતી હાર્વર્ડ યુનિવર્સિટીના સ્નાતકોએ ઘણા પ્રયાસો કર્યા છે. હાલમાં પ્રયાગરાજ ખાતે ચાલતા કુંભમેળાનું બજેટ ૪૨ હજાર કરોડનું છે. ભૂતકાળમાં યોજાયેલા પૂર્ણ કુંભ અને અર્ધ કુંભમેળામાં પણ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્નાતકોએ કુંભ મેળાના અભ્યાસનો પ્રયત્ન કર્યો હતો. 

કોઇને કશું શીખવા નહોતું મળ્યું. ધાર્મિક મેળાવડા કે ધાર્મિક સમારંભોનું આયોજન કરનારા પાસે અનુભવની ખાણ હોય છે. તે પોતાની ભૂલોમાંથી શીખતા હોય છે. ભીડનું મેનેજમેન્ટ ખુબ અઘરું હોય છે. થોડી કચાશ કે ચોક્કસ ગણત્રીના અભાવથી બધો વહિવટ રમણ ભમણ થઇ જાય છે.

હાર્વર્ડના નિષ્ણાતો જ્યાં માથું કૂટતા હોય ત્યાં સામાન્ય લોકોના મનમાં તો કુંભનો વહિવટ અકલ્પનીય છે. આખો દિવસ શ્રધ્ધાળુઓને આવકારવામાં જાય છે અને તેમને પ્રયાગરાજ ખાલી કરાવવા મેનેજ કરવાનું હોય છે.

વર્ષો પહેલાં કુંભમેળામાં જતી વ્યક્તિ પાછી આવે તો તે પવિત્ર ગણાતો હતો. બોલીવુડી ફિલ્મોમાં કુંભમેળામાં ગુમ થયેલા ભાઇઓની સ્ટોરી અવાર-નવાર જોવા મળતી હતી. કુંભમેળાની ભીડ અકલ્પનીય છે. 

ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યોમાંથી જતા લોકો થોડી સવલતો સાથે લઇને જાય છે. જ્યારે બિહાર કે ઉત્તર પ્રદેશથી આવનારા તો માથે પોટકું લઇને ચાલ્યા આવે છે.

આ વખતે કુંભમેળામાં ૩૫ હજાર રૂપિયાના ભાડાવાળા એ.સી. ટેન્ટ પણ છે અને માત્ર મહિલાઓ માટેના ટેન્ટ પણ છે. ૧૨ કરોડ શ્રધ્ધાળુઓ આવશે એવો અંદાજ છે. પ્રથમ સ્નાનમાં જ  બે કરોડ લોકો આવ્યા છે. જે લોકો કુંભ સ્થાન માટે ગયા છે તેમને ખબર છે કે ભીડ સતત ચાલ્યા કરે છે. તે પાણીની દિશામાં જાય છે. પવિત્ર ડૂબકી એ તેમનો એક માત્ર હેતુ હોય છે. દોઢ મહિના સુધી ચાલતા કુંભમાં સરકારી મશીનરી ખડે પગે હોય છે. 

પ્રથમ સ્નાનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગયાં ત્યારે તેમની ટીકા થઇ હતી. પ્રધાનો માટે સલામતીની વિશેષ વ્યવસ્થાના કારણે અન્ય શ્રધ્ધાળુઓ મુસીબતમાં મૂકાતા હોય છે.

કુંભમેળામાં અર્થશાસ્ત્રની વાત કરીએ તો જે શ્રધ્ધાળુ કુંભ સ્નાન માટે જાય છે તે ઓછામાં ઓછા એક હજારનો ખર્ચ કરે છે. જો કોઇ ગુજરાતથી જાય તો ખાવા-પીવા-રહેવા-દાન વગેરે સાથે રૂ. 5000નો ખર્ચ થાય છે. 

આપણે માત્ર એક હજાર રૂપિયાના ખર્ચને વળગીને હિસાબ કરીએ તો પ્રથમ સ્નાનમાં આવેલા બે કરોડ લોકોએ જો 1000 રૂપિયા વાપર્યા છે તો અર્થતંત્રમાં 2 કરોડ X 1000 = 2 હજાર કરોડની રકમ ફરતી થઇ છે. આ ગણિત અઠવાડીયાનું છે.

કુંભમેળામાં લારી ગલ્લાને સ્થાન નથી પણ તેમને ઊભા રહેવાની લીમીટની બહારના ગલ્લા પર પાણીની બોટલ રૂ. 50ની મળે છે, કચોરીની ડીશ રૂ. 50ની હોય છે. ખાણી-પીણીની ચીજ લગભગ બમણા ભાવે વેચાય છે.

નાના-મોટા વેપારીઓ ખાસ કરીને નાના મંદિરો બુટ-ચંપલ-પ્રસાદ વગેરેની દુકાનો પર તો દોઢ મહિનામાં માલ ખાલી થઇ જતો હોય છે. 

કુંભમેળામાં ગયેલા એક અનુભવીએ જણાવ્યું હતું કે મેથીના ગોટા અને ગરમ જલેબી 24 કલાક ઊતરતી જોવા મળે છે. 12 કરોડ શ્રધ્ધાળુઓ આવે અને દરેક એવરેજ 1000 રૂપિયા વાપરે તો 12,000 કરોડ રૂપિયા શ્રમજીવી તેમજ મધ્યમવર્ગના ફાળે જઇ શકે છે. સરકારનું બજેટ 42 હજાર કરોડ રૂપિયાનું છે. જેમ સરકારના બજેટમાં વધારો થવાની શક્યતા છે એમ લોકોનો ખર્ચ પણ વધી શકે છે.

- પ્રસંગપટ

Comments