વિપક્ષી એકતાને ટકાવવાના ફાંફા
મોદી સરકારને હટાવવાનું મંથન: દરેકની નજરમાં સત્તાના સોહામણા સપનાં
વિપક્ષી એકતાની મહાસભાને માંડ ત્રણ દિવસ થયા ત્યાં તો ફાટફૂટ શરૂ થઈ ગઈ છે. અભિમાની લોકોનો મેળાવડો માંડ ત્રણ દિવસ ચાલે એ કેવું ? પ્રજા પણ સમજી ગઇ છે કે વિપક્ષી મેળાવડો વડાપ્રધાન મોદીને દુર કરવા તૈયાર થયો છે. ક્યારેક રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારે છે તો ક્યારેક મમતા બેનરજી લીડર બની જાય છે.
મોટાં-મોટાં અને ચિત્તાકર્ષક સ્લોગનો બોલનારામાંથી કોઇએ દેશની સમસ્યાનો ઉકેલ બતાવી શક્યો નહોતો. કોઇ એમ કહે છે કે અમને સત્તા પર આવવા દો પછી અમે એકશનમાં આવીશું.
હકીકત તો એ છે કે વિપક્ષોએ દેશ ચલાવવાનો તેમનો પ્લાન તૈયાર કરીને પ્રજા સમક્ષ મુકવો જોઈએ. રોજગારી વધારવા કે વિદેશી રોકાણો ખેંચી લાવવા પોતે શું કરવા માંગે છે તે પણ કહી શકતા નથી.
વિપક્ષોનો જુસ્સો તેમના ભાષણોમાં છલકે છે...
જેમ કે...
* ઇસ ફટે દેશ કો તલવાર કી નહીં સૂઈ કી જરુરત હૈ...
* બદલ દો બદલ દો, દિલ્હી મેં સરકાર બદલ ડાલો...
* અચ્છે દિન લાના હૈ તો મોદી કો ભગાના હૈ...
* મોદી શાહ જાને વાલે હૈ, દેસકે અચ્છે દિન આનેવાલે હૈ...
* જનતાકી યહી પુકાર, નહીં ચાહીએ મોદી સરકાર....
* નયે સાલમે અગર ખુશી હૈ પાના, તો નયા પીએમ હૈ લાના...
* સુભાષબાબુ લડે થે ગોરોંસે ઔર હમ મિલકે લડેંગે ચોરોસે...
ઉપરોક્ત સ્લોગન મોદી સરકારના વિરોધીઓએ તૈયાર કર્યા છે. કલકત્તા ખાતે બે દિવસ અગાઉ યોજાયેલી રેલીમાં મમતા બેનરજી છવાઈ ગયા હતા. મોદી વિરોધીઓએ મોદી સરકારને પેટ ભરીને ગાળો દીધી હતી. દરેકની વાણીમાં એવો ડર હતો કે જો મોદી સરકાર બીજી ટર્મ માટે આવશે તો પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે.
કોઇએ કોઇ નક્કર આઇડયા નથી આપ્યો, કોઇએ વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ચર્ચા નથી કરી કે કોઇએ બેઠકોની ફાળવણી અંગે પણ વાત નથી કરી. દરેકના મોઢામાંથી એક જ સૂર હતો કે મોદી સરકાર કો બદલ ડાલો. નથી કોઇ નીતિ વિષયક નિર્ણયો લેવાયા કે નથી કોઇ ચૂંટણી પ્લાન તૈયાર કરાયો. માત્ર અને માત્ર મોદી સરકાર વિરુદ્ધ થૂંક ઉડાડીને સૌ છૂટા પડયા હતા.
વિપક્ષો કહે છે કે એટલી ખરાબ સ્થિતિ દેશની નથી. વૈશ્વિક સ્તરે દેશની ઇમેજ વધી છે. સ્થાનિક સ્તરે ૧૧ ડિસેમ્બરના વિધાનસભાના પરિણામો બાદ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસે મજબુતાઈ મેળવી છે.
ભેગા થયેલા વિપક્ષો પૈકી મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ અને ચંદ્રાબાબુ નાયડુ સિવાય કોઇ પાસે રાજ્યની સત્તા નથી. હિન્દી, ઇંગ્લીશ અને જેને જેમાં ફાવ્યુ ંતેમાં મોદી સરકારને ગાળો દીધી હતી.
દેવગૌડા તો શું બોલતા હતા તેની કોઇને ખબર જ નહોતી પડતી. શરદ યાદવે પોતાનો નવો પક્ષ ખોલ્યો છે. નીતીશ કુમારે તેમને જનતા દળ (યુ)માંથી દુર કર્યા બાદ તે સ્ટેજ શોધ્યા કરે છે પણ તેમને કોઇ ફાવટ નથી આવતી.
વિપક્ષોની સભામાં તે બોલવા ઉભા તો થયા પણ મોદીને ટારગેટ બનાવવાના બદલે ગાંધી પરિવાર પર તુટી પડયા હતા. તે બોલવા માંગતા હતા રાફેલ વિમાન કૌભાંડ અંગે અને બોલવા લાગ્યા બોફોર્સ તોપકૌભાંડ અંગે. સ્ટેજ પર બેઠેલાઓએ તેમનું ધ્યાન દોર્યું પણ શ્રોતાઓ ચૂપ રહ્યા હતા. તેનો અર્થ એકે શ્રોતાઓ ખેંચી લવાયા હતા.
વિપક્ષો પાસે કોઇ ચોક્કસ પ્લાન હોય એમ લાગતું નથી. દેશના વર્તમાન શાસકને હટાવીને અન્ય કોઇને પણ સત્તા પર બેસાડવા લોકશાહીમાં આસાન નથી. રાહુલ ગાંધી અને મમતા બેનરજીએ ચાર મહિના સુધી વિપક્ષોને એક રાખવા પડશે. દરેક પ્રાદેશિક પક્ષ અહમથી ભરેલો અને ઉંમરે વૃધ્ધ છે. સમાજવાદી પક્ષ કે જનતા દળ (એસ) જેવાઓ વંશવાદને આગળ વધારે છે.
મોદી સરકારને હટાવવા મહાગઠબંધનને મજબુત બનાવવું આવકાર્ય છે પરંતુ ચાર મહિના એ બહુ મોટો સમયગાળો છે. સ્લોગનો રચવા આસાન છે પણ એકતાને મેન્ટેન કરવી અઘરી છે. વિપક્ષની એકતા સત્તાની લાલચ પર ટકી છે. છેલ્લા બે દિવસમાં વિપક્ષના હાથમાંથી કર્ણાટકી સરકી રહ્યું છે તે એકતાના ગાલે લપડાક સમાન છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment