- ડાન્સબારને ફરી શરુ કરવાની શરતી મંજુરી
- ડાન્સબાર પર પ્રતિબંધને સૌએ આવકાર્યો હતો. તેના કારણે અંધારી આલમની રાત્રિ બેઠકો બંધ થઇ ગઇ હતી
સુપ્રીમ કોર્ટે ડાન્સબારને ફરી શરુ કરવાની શરતી મંજુરી આપીને પ્રજાના એક વર્ગને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. ડાન્સ બાર, દારુ બાર, નાઇટ ક્લબ વગેરેમાં કોઇ મર્યાદા અમલી બનાવી શકાતી નથી. મર્યાદાના પાટીયા બહાર ઝૂલ્યા કરે છે અને અંદર મર્યાદા વિહોણી સ્થિતિ જોવા મળે છે. પાનના ગલ્લા સ્કુલોની બહાર ના હોવા જોઇએ એવા ફતવાનું શું થયું તે સૌ જાણે છે. નશો કરાવતી અને નશો વેચતી દુકાનો કે હોટલો પરનો પ્રતિબંધ એ નાટકબાજી સમાન હોય છે.
મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય સ્થળે ચાલતા ડાન્સબાર ફરી ખુલશે એ અહેવાલો ૈંઘણાંને ગલગલીયાં કરવાનારા ભલે હોય પણ રાજ્યની ભાજપ સરકાર માટે આ ચુકાદોનો અમલ પડકાર સમાન બની ગયો છે.
સંસ્કતિ બચાવવાનો દાવો કર્યા કરતી ભાજપ સરકાર હવે વટહુકમ લાવવા વિચારી શકે છે. દૂષણો ફેલાવતી કોઇપણ સિસ્ટમને પોત્સાહન આપી શકાય નહીં. ડાન્સબાર અને મુબઇના ક્રીમીનલો એક સાથે રહેતા આવ્યા છે. ડાન્સબાર સેક્સબાર બનવા લાગ્યા હતા. જે પોલીસ તંત્ર તેમાંથી આવક મેળવતું હતું તે જ તેને કાબુમાં રાખી શકતું નહોતું.
આપણે ત્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા થઇ શકતી નથી પરંતુ જ્યારે કોઇ રાજ્ય ડાન્સબાર પર પ્રતિબંધ મુકે અને એમ કહે કે આવા બાર ક્રીમીનલ બાર બની ગયા છે અને દેશની સંસ્કૃતિ સામે જોખમ સમાન છે ત્યારે પણ સુપ્રીમ કોર્ટ ડાન્સ બાર ખોલવાની શરતી મંજૂરી આપે ત્યારે સંસકૃતિને વરેલી પ્રજાને આઘાત લાગે તે સ્વભાવિક છે.
ડાન્સબાર એ મનોરંજનનું સાધન છે. દરેક વર્ગના લોકો અહીં ટેન્સન મુક્ત થવા આવતા હોય છે. એક સમય હતો કે જ્યારે ડાન્સબારમાં લોકો ફેમીલી સાથે જઇ શકતા હતા. ખિસ્સાના બજેટ પ્રમાણેના ડાન્સબાર જોવા મળતા હતા. ત્યારબાદ માત્ર સીંગલ લોકો તેમાં જતા થયા હતા. જ્યારે મુંબઇમાં ડાન્સ બાર બંધ થયા તે દરમ્યાન તો તે અંધારી આલમના અડ્ડા બની ગયા હતા. તમામ ગેરકાયદે ધંધા ત્યાં ચાલતા હતા. અધારી આલમની દાદાગીરી સામે ડાન્સબાર ચલાવનારા અને ડાન્સરો માટે બિઝનેસ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો.
ડાન્સ બાર પર પ્રતિબંધ મુકાયો ત્યારે પોલીસ તંત્ર સહિતના લોકોની રોજગારી છીનવાઇ ગઇ હતી. સોથી મોટો ફટકો ડાન્સરોને પડયો હતો. કેટલીક ડાન્સરો સોફીસ્ટીકેટેડ કોલ ગર્લ બની ગઇ તો કેટલીક ફાઇવ સ્ટાર હોટલોમાં ડાન્સના પ્રોગ્રામ આપવા લાગી હતી. ડાન્સરો વતી રજુઆત કરનારા બહુ ઓછા લોકો હતા કેમકે ડાન્સબાર ને લોકો દૂષણોના બાર તરીકે જોવા લાગ્યા હતા. ડાન્સ આર્ટ છે તેની સામે કોઇને વાંધો ના હોય એ સમજી શકાય પરંતુ બાર એ સ્ટેજ નથી, અહીં ડાન્સની સાથે સેક્સી અંગડાઈને વિશેષ સ્થાન અપાય છે. હાફ નેકેડ બોડી અને શરીરના ઉભારો બતાવાના ધંધાને ડાન્સમાં ખપાવી દેવામાં આવતા હતા. અહીં ડાન્સ નહીં પણ લોકોના ઉશકેરાટમાં કેવી રીતે વધારો કરવા તેના પ્રયાસ કરવામાં આવતા હતા.
મુંબઇ જતા લોકો સિધ્ધિવિનાયક મંદિરની સાથે સાથે ડાન્સબારની મહેક લેવાનું ભૂલતા નહોતા. મોટા ઘરોમાં થતી વિવિધ પાર્ટીઓમાં મુંબઇની ડાન્સરોને આમંત્રણ આપવામાં આવતું હતું. કેટલાક ડાન્સબાર અંધારી આલમના કબજામાં આવી ગયા હતા. ડાનસરો પણ તેમના ઇશારે નાચતી હતી. જોકે તેમાં અતિરેક થતા અંતે પ્રતિબંધ આવ્યો હતો.
આ પ્રતિબંધના કારણે જેન્યુન ડાન્સરોને ખાવાના ફાંફા પડી ગયા હતા. આવી ડાન્સરો બાર સિવાય અન્યત્ર જતી નહોતી અને ડાન્સની કળાને વેચવા નહોતી માંગતી. કેટલીક ડાન્સરો પ્રેકટીકલ બનીને સેટ થઇ ગઇ હતી.
ડાન્સબારની ડાન્સરોની કમાણીમાં પગારથી બમણી ટીપ મળતી હતી. ડાન્સરો પર પૈસા ઉછાળતો એક વર્ગ હતો જે ડાન્સરોની અદાની પ્રશંસા કરતો હતો. લોક ડાયરામાં ઉછળતા પૈસા અને ડાન્સરો પર ઉછળતા પૈસામાં ફર્ક એ હોય છે કે એેકમાં સાહિત્યનો પ્રેમ લૂંટાતો હોય છે તો બીજામાં સેક્સીપણું જોવાનો આનંદ લૂંટાય છે.
ડાન્સબાર પર પ્રતિબંધને સૌએ આવકાર્યો હતો. તેના કારણે અંધારી આલમની રાત્રિ બેઠકો બંધ થઇ ગઇ હતી. ડાન્સ બાર સાથે સંકળાયેલા તમામ સાઇડ બિઝનેસ પણ ઠપ્પ થઇ ગયા હતા. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે ડાન્સબાર ચલાવવા શક્ય નથી. મહારાષ્ટ્રની સરકાર પાસે વટહુકમ એેક માત્ર ઉકેલ છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment