પતંગ લહેરાય પવનથી માણસ લહેરાય પ્રેમથી...

પવન કે પ્રેમ બંને વગર જોખમ ઉભું થાય છે
આકાશ સૌનું મજીયારું છે પણ જમીન બાબતે મોટા ટંટા-ફીસાદ થાય છે


ઉતરાણ આડે માંડ એક અઠવાડીયું છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધો મુકાયા છે. ટુ-વ્હીલરની આગળ ઉંચા ચીપીયા આકારના સળીયા જોવા મળે છે. લોકો હેલ્મેટ નથી પહેરતાં પણ આવા સળીયા પ્રોટેકશન માટે લગાવે છે. 

ઉતરાણ એટલે ઉંધીયું અને જલેબી ભલે કહેવાય પણ વૈષ્ણવ મંદિરોમાં ખીચડાના પ્રસાદનું મહત્વ અનેકગણું છે. ગળ્યો અને તીખો ખીચડો બહુ ઓછી ગૃહિણીઓને બનાવતા આવડે છે. ડાકોર કે સારંગપુર રણછોડજી મંદિરનો ખીચડો આંગળા ચાટી જાવ એવો બનતો હોય છે. હાલમાં ઠંડીની લહેરખીની મોસમ છે. પતંગોત્સવ એ ગુજરાતની આગવી ઓળખ છે.

પતંગ અને માણસ બંને સરખા જ છે. એકને લહેરાવવા પવન જોઈએ અને એકને પ્રેમ. પવન વગર પતંગ ના ઊંડે અને હવા વગર માણસ પણ ના જીવી શકે. પણ જો એકને પવનનો અને માણસને પ્રેમનો સથવારો મળે તો બંને સાતમા આસમાને ઊડે. એટલે પવન એ પતંગ માટે અને પ્રેમ એ માણસની જીવાદોરી છે.

બારેય મહિના ખાલી રહેતું આકાશ ઉત્તરાયણના દિવસે મળસકેથી જ ભર્યુંભાદર્યું બની જાય છે. સાથોસાથ સેંકડો કાચા-પાકા મકાનોની છતો માનવ-મહેરામણથી કશાક વિશેષ ઉદ્દેશથી ગૂંજી ઊઠશે. બાળપણ અને યુવાની મહોરી ઊઠશે ને બૂઢાપાના ખૂણે ઢબૂરાયેલો ખાલીપો, જવાનીના કોઈ સુખદ સ્મરણથી આંખને હસાવશે. યાદ દુઃખની હોય કે સુખની પણ હોય છે પવિત્ર.

ગુજરાતનો આ આગવો પતંગોત્સવ આપણી આગવી ઓળખ છે. આ આકાશ તો સૌનું મજીયારું છે, તો પછી આ જમીન બાબતે આટલા ઝઘડા-ટંટા કેમ ? પતંગ આપણે ઉડવા માટે જ બનાવ્યો છે. માણસ પણ એક પતંગ જ છે. શીર્ષકમાં કહ્યું તેમ પવન અને પ્રેમ આ બંને વગર પતંગ કે માણસનું અસ્તિત્વ જોખમમાં મૂકાય કારણ કે પતંગને પવન અને માણસને પ્રાણવાયું ઉપરાંત પ્રેમ પણ જોઈએ લહેરાવવા માટે. પ્રેમ વગર તો સૂકાઈ જવાતું હોય છે. 

માંજા વગર પતંગ ના ઊડે એમ પ્રેમ વગર માણસ પણ કટી પતંગ જેવો થઈ જતો હોય છે. હૃદયરૂપી માંજાને ધારદાર બનાવવા પ્રેમનો પ્યાલો અકસીર ઈલાજ છે. એમાં અંચઈ ના ચાલે. આકાશમાં અને અવનીમાં ખેલાતા પતંગોના દાવપેચમાં આકાશ-પાતાળનો ફરક છે. એકમાં નિર્દોષ આનંદ છે અને બીજામાં પ્રપંચતા અને કાવાદાવા. એકમાં માત્ર આનંદ અને બીજામાં વિકૃત આનંદ... ! કોઈનો ચાલુ પતંગ તોડીએ, લંગર નાંખીએ કે રમત રમીએ તો ધીંગાણું જ થવાનું ને... ? રમતમાં તો ખેલદિલી હોવી જોઈએ. 

બીજાના જીવતરમાં બીનજરૂરી ચંચૂપાત કરીને માણસ પોતાનામાંથી પ્રેમની બાદબાકી કરતો હોય છે. ઉત્તરાયણ એટલે તંદુરસ્ત સ્પર્ધા. હારનાર અને જીતનાર બંનેની ચિચિયારીઓથી ગગન ગાજી ઊઠવું જોઈએ. જ્યાં તંદુરસ્ત સ્પર્ધા નથી હોતી ત્યાં જ ખટરાગ ઊભો થતો હોય છે. સાથોસાથ એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણી હવામાં લહેરાતી દોરીથી કોઈ પક્ષી ઘાયલ ન થાય. કોઈને ઘાયલ કરીને આનંદ લૂંટવો એ માનવતા નથી. એ અધર્મ છે. એ રાક્ષસીપણું છે.

આ આકાશ તો સૌનું છે. પક્ષીઓનું તો ખાસ છે. તેઓ અબૂધ છે. આપણામાં તો બુદ્ધિ છે. સમજણ છે. આપણા થકી કોઈપણ કોઈપણ રીતે ઘાયલ થાય એ વ્યાજબી ન કહેવાય. પાપની વ્યાખ્યા જ આ છે. મનમાં ખટકે તે પાપ.

હવે રહી વાસી ઉત્તરાયણ. ભલે એ કહેવાતી વાસી હોય પણ એનો સંદેશ તાજો છે. એટલે કે જે ભેગું કર્યું છે એને વહેંચો, ત્યાગો. ખરેખર અપરિગ્રહનો મહિમા જ અનોખો છે. વેચવા કરતાં વહેંચો. મકરસંક્રાંતિ એ દાનનો પણ મહિમા ગવાયો છે. 

ગઈ સાલ આ જ અગાશીમાં આપણું પ્રિય પાત્ર આજે નથી, પણ એની યાદોં તો છે... ! એને વાગોળીને પણ ઉત્તરાયણ ઉજવાય. લેખક દિલીપ રાવલ વધુમાં ઉમેરે છે કે ઉત્તરાયણનો આ એક દિવસનો તહેવાર આપણને સૌને અનેરો આનંદ આપી જાય છે. 

તમે ગમે તેટલા ઊંચા ઉંડો પણ છેવટે તો ક્યાંક ને ક્યાંક નીચે જ પટકાવાનું છે. અભિમાન એ પતનની નિશાની છે. ઉત્તરાયણ એટલે બીજું કશું નહીં, ઉત્તરાયણ એટલે આનંદની ચરમસીમા. ઉત્તરાયણ એટલે સંગાથે સુખ શોધવાની શરૂઆત. ઉત્તરાયણ એટલે મનગમતા માણસો સાથે આંખથી આંખ મીલાવીને આનંદની ચિચિયારીઓ પાડી દુઃખને ભુલવાનું ટાણું... !!

- પ્રસંગપટ

Comments