એનડીએ (મોદી) સામે વિપક્ષોનું હલ્લા બોલ


છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના કોઇ પણ પગલાંનો દરેક જોરદાર વિરોધ કરી રહ્યા છે. સરકાર કોઇ નિર્ણય ના લઇ શકે એવો આશય

આનંદ શર્મા, પી. ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ, ભૂતપૂર્વ ભાજપી નાણાપ્રધાન યશવંત સિંહા, અરવિંદ કેજરીવાલ વગેરેને સ્લીપમાં ગોઠવવામાં આવ્યા છે.

દેશના હિતમાં વિચારવાની પણ સૌની ફરજ છે. પ્રજા જાણે છે કે ચૂંટણી વચનો ખોખલા હોય છે છતાં વધુ ને વધુ મતદાન થઈ રહ્યું છે. દરેકના દાવા પ્રબળ છે. 

મોદી સરકારના શાસનમાં માંડ 99 દીવસ બાકી રહ્યા છે ત્યાં તો વિપક્ષો સરકાર ગઇ-ગઇ કરીને તૂટી પડાયા છે. ભાજપ કરતાં કોંગ્રેસ વધુ ચાલાક અને ચપળ પુરવાર થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના કોઇ પણ પગલાંનો દરેક જોરદાર વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષો ડગલેને પગલે સત્તાધારી મોદી સરકારનો શક્ય હોય એેટલો ગાંડો ઘેલો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ એ છે કે વિપક્ષ સરકારને ડામાડોળ રાખવા માંગે છે. મોદી સરકાર પણ ખુલાસામાં વ્યસ્ત રહે છે. તે નવું કંઇ પણ કરવા જાય છે અને વિપક્ષી આક્ષેપોનો ભોગ બને છે. 

ક્રિકેટમાં જેમ બેટ્સમેન બેટ ઉગામે કે કેચ ઝીલવા આસપાસ ફિલ્ડરો ઉભા રહે કે બેટ્સમેના પેડ પર બોલ અથડાય તો પણ એલબી ડબલ્યુની ચીસો પાડવામાં આવે આવી સ્થિતિ રાજકારણમાં નજરે પડે છે. અહીં બેટ્સમેન તરીકે વડાપ્રધાન મોદી છે અને સ્લીપમાં ફીલ્ડીંગ ભરનારા વિપક્ષો છે. દરેક બોલે આઉટ અમ્પાયરની ચીસો પડી રહી છે. ભારતનું રાજકારણ સત્તાલક્ષી છે. દરેકને હાથમાં સત્તાનું બેટ જોઇએ છે. ફિલડીંગ ભરવા કોઇ તૈયાર નથી. હવે જ્યારે મોદી સરકારની પ્રથમ ટર્મ ની આડે માંડ 99 દિવસ રહ્યા છે ત્યારે વિપક્ષ પણ અંતિમ જોર લગાવી રહી છે.

આપણી દરેક ચૂંટણીઓ મહાભારતના યુધ્ધની જેમ ખેલાય છે. 20૧9નો લોકસભાનો જંગ એવો છે કે જેમાં બંને બાજુ ભગવાન કૃષ્ણ છે અને બંને બાજુ દુર્યોધનો પણ છે. અહીં કોઇ હારવા તૈયાર નથી. યુધ્ધ જોતી પ્રજા વર્ષોથી વગર વિચારે તાલીઓ પાડતી આવી છે. મહાભારતમાં સંજય એકમાત્ર કોમેન્ટ્રી આપી શકતો હતો હવે તો 200 ટી.વી ચેનલો અને 2000 અખબારો સંજય દ્રષ્ટી ધરાવતા થઇ ગયા છે. સંજય તો માત્ર આંખે દેખ્યો સાચો અહેવાલ આપતો હતો પણ અનેક અખબારો અને ટીવી ચેનલો યુદ્ધનો અહેવાલ પોતાના ઓપીનીયન સાથે આપી રહ્યા છે. 

વિપક્ષોનું હલ્લાબોલ મોદી સરકારને ભીંસમાં લેવા માટેનું છે. દેખીતી રીતેજ સરાકરને કામ નહીં કરવા દેવા માટે વિરોધ થઇ રહ્યો છે. કોઇપણ બાબતે વિરોધ કરવા વિપક્ષોની એક ટીમ તૈયાર કરી છે જેમાં આનંદ શર્મા, પી. ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ, ભૂતપૂર્વ ભાજપી નાણાપ્રધાન યશવંત સિંહા, અરવિંદ કેજરીવાલ વગેરેને સ્લીપમાં ગોઠવવામાં આવ્યા છે. જ્યારે ઓમાર અબ્દુલ્લા, મમતા, કુમાર સ્વામી જેવાઓને બાઉન્ડ્રી પર ગોઠવવામા આંવ્યા છે. આટલી કડક ફિલ્ડીંગ છતાં ભાજપે સવર્ર્ણોેને આનામત આપીને સિક્સ મારવામાં સફળતા મેળવી હતી.

મોદીના તમામ કાર્યક્રમોની ટીકા થાય છે જેમકે પ્રવાસી ભારતીય દિવસના રોજ આનંદ શર્માએ કહ્યું કે મોદી સરકારી કાર્યક્રમોનો ઉપયોગ વિપક્ષોને ગાળો દેવા માટે કરે છે. કોલક્તામાં જ્યારે મહા ગઠબંધનની બેઠક યોજાઇ ત્યારે દરેક નેતાએ મોદી સામે બેફામ આક્ષેપો કર્યા હતા. 

એવું લાગતું હતું કે આખો કાર્યક્રમ મોદીને ગાળો દેવા માટે ઉભો કરાયો હતો. કેટલીક વાર તો એવું લાગે છે કે વિપક્ષો મોદીને કાઢવા માંગે છે તેમને ભાજપ સાથે વાંધો હોય એમ લાગતું નથી. એવીજ રીતે બજેટમાં મોદી સરકાર કેટલીક જાહેરાતો કરી શકે નહીં તે મોરચો ચિદમ્બરમ અને યશવંતસિંહાએ સંભાળ્યો છે.

તાજેતરમાં જ્યારે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસિંહ હુડાને ત્યાં દરોડા પડયા ત્યારે આનંદ શર્માએ તે માટે સુધી કહ્યું હતું તે યાદ રાખજો ભાજપ સરકાર જાય છે અને અમારી સરકાર આવી રહી છે.

ભાજપ પણ હારે એવો પક્ષ નથી

બે માંથી 2૮2 બેઠકો પર પહોંચેલો ભાજપ હવે બધી રીતે પહોંચેલો બની ગયો છે. ભાજપ જાણે છે કે તેની સામે એક માત્ર કોંગ્રેસજ ટકરાઇ શકે એમ છે. કોંગ્રેસ ક્યું નવું સ્ટેપ ભરશે તે પણ ભાજપ જાણતું હોય એમ લાગે છે. મોદી સરકાર સામે ચૂંટણી વચનો પુરા નહીં કરવાના આક્ષેપો છે તો મહાગઠબંધનના તમામ પક્ષોના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે. પોતે સાચા છે અને બીજા ખોટા છે એવું બતાવવા બંને પક્ષો વિવિધ આઇડયા આપનાવી રહ્યા છે.

પાકિસ્તાન જેવો લુખ્ખો દેશ પણ એમ કહેતો થઇ ગયો છે કે વર્તમાન સરકાર સાથે વાતચીત શક્ય નથી. નવી સરકાર (કોંગ્રેસ એમ વાંચો) આવે પછી વાત કરીશું. વિપક્ષો કઇ દિશામાં દેશનું વહાણ ખેંચી જવા માંગે છે તે ખબર નથી પડતી પણ કોઇ પણ મુદ્દે વિરોધ કરીને તે પોતાનું જોર બતાવવા માંગે છે. વિપક્ષોની કમનસીબી એ છે કે તે એક થવા પ્રયાસ કરે છે પણ વડાપ્રધાન પદું દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસને આપવા તૈયાર નથી.

તમામ પ્રકારના હલ્લાબોલ અને આક્ષેપોના મારા વચ્ચે ભાજપે પણ પોતાની મુવમેન્ટ ચાલુ રાખી છે. 

ભાજપે સવર્ણો માટે અનામતનું પાસું ફેંક્યું હતું અને રામજન્મ ભૂમિ પરનો સ્ટેટસ-કોઇએ હટાવવાની માગણી કરી હતી. ભાજપ અને તેના સાથી પક્ષોએ પોતાનું કામ કરી રહ્યા છે. જે કામ મહાગઠબંધન હો-હા કરીને કરે છે તે મોદી સરકાર સાયલ્નટલી કરી નાખે છે. 

ઉદાહરણ તરાકે બિહારમાં નીતીશકુમાર સાથે વિના કોઇ કકળાટ ગઠબંધન કરી દેવાયું હતું. લોકજન શક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન આડા ચાલતા હતા તેને પણ સાયલ્નટલી સમજાવી દેવાયા હતા. જ્યારે સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે પ્રાદેશિક પક્ષોએ પોતાનું અલગ ગઠબંધન રચી નાખ્યું હતું. કોંગ્રેસ આ કેસ માં અંધારામાં રહી હતી. 

રાજકીય અનુમાનો આસાન નથી હોતા. ભાજપને વિપક્ષમાં બેસવાની ફાવટ છે પરંતુ કોંગ્રેસ માટે વિપક્ષની પાટલી એટલે કાંટા પર બેસવા બરાબર છે એેટલેજ કોંગ્રેસ માને છે કે આ વખતે ભાજપને નહીં હટાવીએ તો આ પક્ષ કેન્દ્રમાં ઘર કરી જશે. રાહુલ અને ત્યાર પછી પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કરીને ભાજપ સામે પડકાર ઉભો કર્યો છે. ગાંધી પરિવારની સદ્દનસીબી એ છે કે તેમના નિર્ણય સામે કોઇ કોંગીજન વાંધો નથી ઉઠાવતું. 

પક્ષો પાસે નેશનલ સ્તરે બોલી શકે એવા નેતાઓમાં રાહુલગાંધી સિવાય કોઇ નથી. રાહુલ ગાંધીની જાહેર સભાઓમાં જે ભીડ થાય છે એવી ભીડ મમતા બેનરજી કે માયવતીના સભામાં થાય ખરી? મમતા ને હિન્દી બરાબર બોલતા નથી આવડતું તો માયાવતી લખેલું વાંચીને બોલ્યા કરે છે.

વિપક્ષોનું મહાગઠબંધન ફડચામાં હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પોતે સંભવિત વડાપ્રધાન હોય એમ વિવિધ જાહેરાતો કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે વિપક્ષો કેંગ્રેસને શરણે થઇ ગયા છે. 

2019ની પ્રજાએ 2004ની નથી રહી. હવેની પ્રજા વિચારતી થઇ છે. ઘેર ઘેર ચૂંટણીની ચર્ચા ચાલતી થઇ છે. લોકો એટલા સ્વતંત્ર બની ગયા છે કે કોઇ ટીવી ચેનલ કે અખબારના અહેવાલથી તે ભ્રમિત થઇ શકે એેમ નથી. કોઇ ચેક્કસ વ્યક્તિ (મોદી એમ વાંચો) સામેનું હલ્લાબોલ લોકોની નજરમાં આવી જાય છે.

કોંગ્રેસ અને વિપક્ષો એમ માને છે કે મોદી સરકાર હારશે જ્યારે મોદી સરકાર હાથી ચાલ ચાલી રહી છે. દરેક પોતાનો દાવો કરી રહ્યા છે. એ પણ હકીકત છે કે દરેક રાજકારણમાં રસ લઇ રહ્યા છે તેની ક્રેડીટ વડાપ્રધાન મોદીને આપવી જોઇએ. કમનસીબી તો એ છે કે ઘેર ઘેર રાજકીય સમિક્ષકો ફૂટી નીકળ્યા છે અને દરેક પોતાની પીપુડી વગાડી રહ્યા છે.

સપનાં જોવોનો સૌને હક છે પરંતુ દેશના હીતમાં વિચારવાની પણ સૌની ફરજ છે. પ્રજા જાણે છે કે ચૂંટણી વચનો ખોખલા હોય છે છતાં વધુ ને વધુ મતદાન થઈ રહ્યું છે. દરેકના દાવા પ્રબળ છે. અત્યારથી આવતા સંભવિત પરિણામોના અહેવાલો પર પેઇડ અહેવાલનું લેબલ મારી શકાય એમ છે.

કોણ જીતશે અને કોણ હારશે તે માટે પરિણામોની રાહ જોવી પડશે. પરંતુ જે રીતે મહાભારત ઉભું થયું છે તે જોતાં એમ લાગે છે કે જે જીતશે તે પાંડવો કહેવાશે અને જે હારશે તેમને કૌરવો કહેવાશે.

Comments