ખેડૂતો, દલિતો,વેપારીઓ અને બેરોજગાર યુવાનોમાં વધતા જતા અસંતોષના કારણે ભાજપ શાસિત રાજયોમાં સત્તાવિરોધી પવન
છતીસગઢ: ભાજપનો અજેય ગણાતો આ ગઢ કેમ સૌથી પોલો નીકળ્યો ?
2019ની સામાન્ય ચુંટણી પહેલાની સેમી ફાઇનલ ગણાતા પાંચ રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતિસગઢ, તેલંગાણા અને મિઝોરમના ચૂંટણીના ફાઇનલ પરીણામો આવી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પરીણામ પહેલાના વરતારા એટલે કે એકઝિટ પોલમાં આપવાનો ટ્રેન્ડ શરુ થયો છે.
નાના એવા સેમ્પલ સર્વેના આધારે મોટો અંદાજ છતિસગઢમાં ખોટો સાબીત થયો છે. દલિતો અને આદિવાસીઓની વિશાળ સંખ્યા ધરાવતા આ રાજયમાં કોંગ્રેસને 6૮ જયારે સત્તાધારી રમન સરકારના ભાજપ પક્ષને માત્ર 15 બેઠકો પર જીત મળી છે.
ચુંટણીના પરીણામો પહેલા મોટા ભાગના ચૂંટણી સર્વે છતિસગઢમાં રમણરાજના કમબેકનો સૂર આલાપતા હતા. છેલ્લા 15 વર્ષથી સત્તા પર ટકી રહેલા ભાજપના મુખ્યમંત્રી રમણસિંહ જાણે કે અજેય હોય એમ જીતની આગાહી કરવામાં આવી હતી. જો પ્રજા કશું ક જુદું જ વિચારીને બેઠી હતી. દોઢ દાયકાથી સત્તામાં ગુંદરની જેમ ચિટકેલા રમનસિંહને હટાવીને મેસેજ આપ્યો છે કે ફેસ વેલ્યુના આધારે લોકોને વાંરવાર છેતરી શકાતા નથી.
ફરી એક વાર સાબીત થયું છે કે અંતરિયાળ અને પછાત વિસ્તારની અભણ પ્રજા પોતાનું મન કળવા દેતી નથી પરંતુ ઇવીએમમાં જરુર જવાબ આપે છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચાશે એવા એકઝિટ પોલના તારણોમાં કશું નવું ન હતું. ભાજપની વસુંધરા સરકાર સામે લોકોનો પ્રગટ રોષ પ્રત્યક્ષ રીતે જ દેખાઇ જ આવતો હતો.
બીજુ કે રાજસ્થાનના વિધાનસભાના દર ઇલેકશનમાં સત્તા પરીવર્તનએ તાસિર બની ગઇ છે એ પ્રમાણે પણ કોંગ્રેસને જીતવાની તક હતી. વ્યાપમ કૌભાંડ અને ખેડૂતોના વધતા જતા રોષના કારણે મધ્યપ્રદેશમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટકકર છે એ કોઇનાથી પણ અજાણ્યું ન હતું. ભાજપના સંગઠન અને કાર્યકરોમાં ઉદાસિનતા જોવા મળતી હતી. આથી રાજસ્થાન અને મધ્યપ્રદેશનું ભાવી ભાખીને એકઝિટ પોલમાં કોઇ મોટી ધાડ મારવામાં આવી ન હતી.
ખેડૂતો, દલિતો,વેપારીઓ અને બેરોજગાર યુવાનોમાં વધતા જતા અસંતોષના કારણે ભાજપી શાસિત રાજયોમાં સત્તાવિરોધી પવન ઉભો થયો તેમાં છતિસગઢનો ગઢ સૌથી પોલો સાબીત થયો છે. એકઝિટ પોલ અને કોંગ્રેસની પોતાની ધારણા કરતા પણ વધારે બેઠકો મળી છે. ચાવલવાલે બાબાના નામથી ઓળખાતા રમનસિંહની સરકાર ધરાશયી થઇ છે.
સત્તા વિરોધી પવનની વચ્ચે પણ કમસેકમ આ ગઠ તો જળવાઇ રહેશે તેવી ભાજપની આશા પર પાણી ફરી વળ્યું છે. રાજસ્થાન 73 અને મધ્યપ્રદેશમાં 109 બેઠકો મેળવીને ભાજપે સારી એવી ટકકર પણ આપી છે પરંતુ જેના પર ખૂબ મદાર હતો એ ગઢ જ સાવ પોલો નિકળ્યો છે. ડઝનબંધ મંત્રીઓ અને સિનિયર નેતાઓએ ભૂંડો પરાજય સહન કરવો પડયો છે.
ભાજપના પૂર્વ વડાપ્રધાન અને પક્ષના પાયોનિયર અટલબિહારી વાજપેયીના ભત્રિજી કરુણા શુકલાએ કોંગ્રેસમાં રહીને રમનસિંહ અને ભાજપની સતત પોલ ખોલી હતી. રમનસિંહ કે તેમની સરકાર હારી શકે જ નહી એની માન્યતા ખૂદ રમનસિંહે જ ઉભી કરી હતી જેમાં એકઝિટપોલવાળા પણ ફસાઇ ગયા ઙતા. ચૂંટણી પરીણામ આવવાની બે દિવસ પહેલા રમનસિંહ પરીવાર સાથે ફિલ્મ જોવા ગયા ત્યારે તેઓ અતિ આત્મવિશ્વાસમાં રાચતા હોય તેમ જણાતું હતું.
રમનસિંહ સરકારે ગરીબોને બે રુપિયે કિલો ચોખા આપવાની સ્કિમ શરુ કરી હતી. રાઇઝ સ્કેમમાં વ્યાપક ગેરરીતિઓની ફરિયાદના પગલે ઘરે બેસવાનો વારો આવ્યો હોવાનું માનવામાં આવે છે. 27 જિલ્લાના દેવામાં ડૂબેલા સિમાંત ખેડૂતો અન્ન ઉત્પાદનના પોષણક્ષમ ભાવો નહી મળતા હોવાની ફરિયાદ કરતા હતા.
ખોટના ખાડમાં પડીને ખેતી કરતા ખેડૂતોની રજૂઆત ગ્રામ પંચાયતથી માંડીને ટોચના સરકારી બાબુઓ સુધી કોઇ સાંભળતું ન હતું. આ બધી પોલંપોલનો પડઘો ચૂંટણીના પરીણામો દેખાઇ આવે છે. દલાલો અને વચેટિયા દ્વારા 36 હજાર કરોડનું રાઇઝ સ્કેમ પણ ખૂબ ચગ્યું હતું. ગરીબોને સસ્તા દરે ચાવલ આપવાના બહાને રકમ ઓહિયા થતી હતી.
ચાવલ ખરીદીનું કૌભાંડ લાંબા સમય સુધી ચાલ્યું તેમ છતાં કોઇ તપાસ થતી ન હતી. 2015માં વિરોધ પક્ષ કૉગ્રેસે સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સીટની રચના કરીને તપાસ કરવાની માંગણી કરી હતી.
છતિસગઢમાં કુલ 10 બેઠકો એસસી અને 29 હેઠકો એસટી અનામત છે. રમનસિંહ અને અજીત જોગીની મિલી ભગતના કારણે કૉગ્રેસ જીતતી નથી એવા આક્ષેપો થયા કરતા હતા. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસથી અલગ પાર્ટી રચીને જોગી મેદાનમાં ઉતર્યા હોવા છતાં ગજ વાગ્યો નથી.
- પ્રસંગપટ

Comments
Post a Comment