રાજકીય પક્ષો નવા મુદ્દાની શોધમાં દરેકની નજર સામે 2024નો જંગ


- રાજકીય પક્ષો અને મતદારો એમ બંનેને સુધરવાની જરૂર 

- પ્રસંગપટ

- હુલ્લડો  જેવા છમકલાનો સીધો લાભ ભાજપને થતો જોઇ હવે હિંસક તોફાની ઘટનાઓ પર બ્રેક વાગી ગઇ છે

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પરથી એટલું તો સ્પષ્ટ છે કે લોકોના હવે જ્ઞાાતિવાદના નામે ઉલ્લુ નથી બનાવી શકાતા કે મફત સવલતોના નામે પણ મત નથી લઇ શકાતા. લોકોને પાયાની સવલતો, પોતાના સંતાનોને શિક્ષણ, રોજગારી વગેરે જોઇએ છે. લોકો એ પણ જાણતા થઇ ગયા છે કે ચૂંટણીમાં મફત સવલતોનું વચન આપનારાઓ રાજકીય સત્તા મેળવવામાં અને તેને ટકાવી રાખવામાં રચ્યા પચ્યા રહે છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્નાથની બેઠકો ૩૦૦થી વધુ એટલા માટે નથી આવી છે કે હુલ્લડો થતા બંધ થઇ ગયા છે. અસામાજીક તત્વો સાથે સંકળાયેલા રાજકારણીઓ અને રાજકીય પક્ષો જાણી ગયા છે કે હુલ્લડો કે તેના જેવા નાના સ્તરની જાહેર ગુંડાગીરી જેવા છમકલાનો સીધો લાભ ભાજપને તેમજ હિન્દુ સંગઠનોને થઇ રહ્યો છે. જેના કારણે દેશભરમાં હુલ્લડો અટકી ગયા છે. હુલ્લડોના એપિસેન્ટર જેવા ઉત્તર પ્રદેશમાં હુલ્લડો ભૂતકાળ બનવા લાગ્યા તેની પાછળનું કારણ યોગીનો દમ નથી પણ રાજકીય ગણિત કામ કરે છે તે રાજકીય પક્ષો પણ સમજવા લાગ્યા છે.

આટલી મહત્વની ચૂંટણી હોય અને જેની સીધી અસર ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પર પડવાની હોય તે રાજ્યમાં તીવ્ર રસાકસી હોવા છતાં એકાદ સળગતો કાકડો કે હાથ બોંબ નાખવાની ઘટના જોવા ના મળે એ કેવું? જવાબ છે રાજકારણ. ભાજપને લાભ થાય તેવા તમામ દરવાજા બંધ કરી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. સૌથી મોટો દરવાજો હુલ્લડોનો હતો. હુલ્લડોના ડરથી ૫૦ ટકા લોકો ભાજપ તરફ વળ્યા છે. જો હુલ્લડો બંઘ થાય તેા આ પચાસ ટકા લોકો ભાજપ છોડીને પાછા કોંગ્રેસ કે  અન્ય પક્ષ તરફ વળી શકે છે.

લોકોને લલાટે તિલક કરતા અને હિન્દુ વિધિ કરતા નેતાઓ વધુ ગમે છે એટલે રાજકીય નેતાઓ પોતાની કુળદેવી અને આરાધ્યદેવના મંદિરો તરફ જઇ રહ્યા છે. પંજાબમાં વિજય પછી આમ આદમી પાર્ટીના બોસ અરવિંદ કેજરીવાલ સીધાજ દિલ્હીમાં હનુમાનજીના મંદિરે દર્શન માટે ગયા તે સૂચક કહી શકાય.

પોતે જમીન સાથે જોડાયેલા છે તે બતાવવાના પ્રયાસો પણ રાજકીય પક્ષો કરશે. પોતે રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા છે અને કન્ટ્રી ફર્સ્ટ જેવી વાતો વહેતી થશે. ભાજપને મળેલી ચાર રાજ્યોમાં મળેલી જીતથી વિપક્ષોેએ હતાશ થવાની જરૂર નથી પણ નવા મુદ્દા હાથમાં લેવાની જરૂર છે. ઉત્તર પ્રદેશમાં  ઘબડકો સર્જનાર અખિલેશ યાદવે પક્ષના કાર્યકરોને કહ્યું છે કે આપણા પક્ષને ગઇ વખત કરતા વધુ બેઠકો મળી છે. માટે નિરાશ થવાની જરૂર નથી  આપણે હવેની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ફાઇટ ચાલુ રાખીશું. 

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પણ બેઠકો ઓછી થવાથી ચેતી ગયા છે. દરેક નવી વ્યૂહ રચના શોધી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે સાચુંજ કહ્યું હતું કે ચૂંટણી સમિક્ષકો આ જીતને ૨૦૧૪ની જીત સાથે સરખાવવા માંડશે પરંતુ આપણે મહેનત છોડવાની નથી. ચૂંટણીમાં હારજીતને રાજકીય પક્ષો બહુ મન પર લાવતા નથી. તે હતાશા ખંખેરીને ફરી કામ પર લાગી જતા હોય છે. સત્તાની ખુરશી તેમને મોટીવેટ કરતી રહે છે.

શૈક્ષણિક પરીક્ષાઓમાં નપાસ થતા લોકો અનેક વાર હતાશ થઇને જીવન ટૂંકાવાનું પગલું ભરતા હોય છે એવા લોકોએ રાજકીય પક્ષોની ચડ ઉતર વાંચીને મોટિવેટ થવાની જરૂર છે. આજે જે ભાજપ કેન્દ્ર સરકારમાં બે ટર્મથી સ્પષ્ટ બહુમતી સાથે રાજ કરે છે તેની પાસે એક તબક્કે લોકસભામાં માત્ર બે બેઠકો હતી. 

અહીં એ પણ મહત્વનું છે કે નવી પેઢી એવા સવાલ પૂછે કે મોગલેા અને અંગ્રેજોએે રાજ કર્યું તે વાત બરોબર છે પરંતુ ૭૫ વર્ષથી તો સ્વતંત્ર ભારતની લોકશાહીમાં  રાજકીય પક્ષોએ સૌથી વધુ સત્તા સુખ ભોેગવ્યું છે તો પછી શિક્ષણ, રોડ, આરોગ્ય કેન્દ્રો, ભૂખમરો, ગામડાઓની દયનીય સ્થિતિ વગેરે કેમ જોવા મળે છે? દેશનું બ્રેન અન્ય દેશમાં કેમ જાય છે? યુક્રેન જેવા દેશમાં પણ લોકો શિક્ષણ મેળવવા જાય છે કેમકે અહીં લોકોને શિક્ષણ પરવડતું નથી.દેશમાંના મોંઘાદાટ ઉચ્ચ શિક્ષણને માત્ર પૈસાદારો લઇ શકે એવો ઘાટ છે.

મધ્યમ વર્ગ અને પૈસાદારો વચ્ચેની આર્થિકખાઇ સતત વધતી રહી છે. ૭૫ વર્ષ સુધારણાના પગલાં માટે ઘણાં કહી શકાય. દરેક રાજકીય પક્ષ આવા સુધારણાના પગલાંની લોલીપોપ બતાવીને રાજ કરીને માલેતુજાર બને છે જ્યારે પ્રજા ઠેરની ઠેર રહે છે.

રાજકીય પક્ષો અને મતદારો એમ બંનેને સુધરવાની જરૂર છે.

Comments