પાંચ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન ચૂંટણી પંચના પ્રશંસનીય પગલાં

- પંચે તબક્કા વાર મતદાન યોજીને મતદાન કરાવ્યું હતું
- પ્રસંગપટ
- જેને દાંત નહોર વિનાનું પંચ કહેતા હતા તેની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા થઇ રહી છેઃ કોઇ હિંસાચાર નહીં..
પાંચ રાજ્યોમાં વિધાનસભાનો જંગ પુરો થયો છે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપ જીત્યું છે જ્યારે પંજાબ આમ આદમી પાર્ર્ટીેએ જીત્યું છે. સૌથી મહત્વની જીત ભારતના ચૂંટણી પંચની થઇ છે. પાંચેય રાજ્યોમાં સત્તા મેળવવાની તીવ્ર સ્પર્ધા જોવા મળતી હતી. સૌથી વધુ વિવાદ અને ઉગ્ર વાતાવરણ ઉત્તર પ્રદેશમાં જોવા મળતું હતું. સમાજવાદી પક્ષે જે રીતે અસામાજીક તત્વોને ટિકીટ આપી હતી અને જે રીતે સમાજવાદી પક્ષ સરકાર રચી રહ્યો છે એવો પ્રચાર કર્યો હતો તે જોતાં એમ લાગતું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ રક્ત રંજીત બની રહેશે.
ભારતના ચૂંટણી પંચે તબક્કા વાર મતદાન યોજીને શાંતિ પૂર્વક મતદાન થાય તે માટે આયોજન કર્યું હતું. ચૂંટણી પંચની કમનસીબી એ હતી કે દરેક પક્ષ તેને નબળું પંચ કહેતો હતો અને દરેક પક્ષ તેને સત્તાધારી પક્ષનો પીઠ્ઠુ કહીને આક્ષેપ કરતો હતો. જેને દાંત નહોર વિનાનું પંચ કહેતા હતા તેની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા થઇ રહી છે. દરેક પક્ષ પોતાના પ્રતિસ્પર્ધી પર આક્ષેપો કરતો હતો અને ચૂંટણી પંચ ક્શું નથી કરતું તેવા આક્ષેપો કરતો હતો. દરેકને હતું કે ઉત્તર પ્રદેશમાં પ્રચાર દરમ્યાન અને મતદાન દરમ્યાન તોફાનો થશેે પરંતુ નાનો અમથો કાંકરી ચાળો પણ નહોતો થયો. જે કંઇ થયું તે આક્ષેપોનો મારો થયો હતો. પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષોના કાર્યકરો અનેક વાર સામ સામે આવી ગયા હતા અને થોડી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા પરંતુ દરેક પક્ષોના નેતાઓએ સંયમ બતાવ્યો હતો અને હૂંસા તૂંસી આગળ વધવા દીધી નહોતી. ગુરૂવારે સવારે ૭૫ જિલ્લાઓમાં મતગણત્રી સવારે ૯ વાગે શરૂ થઇ ગઇ હતી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.
અખિલેશ યાદવે ૧૩૧ જાહેર રેલી સભાઓ કરી હતી, જ્યારે પ્રિયંકા વાઢરાએ ૨૦૯ સભાઓ અને રેલીઓ સંબોધી હતી. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં પોતાના મત વિસ્તારમાં વર્ચ્યુઅલ રેલી સંબોધી હતી. રાહુલ ગાંધીએ અમેઠીને વારાણસીમાં એક એક રેલી સંબોધી હતી.
અખિલેશ અને યોગી આદિત્યનાથ એમ બંનેની રેલીમાં તોફાની તત્વો ઘૂસ મારતા હતા પરંતુ તે કંઇ કરી શક્યા નહોતા. ૨૦૧૯ની ૮ એપ્રિલે સુપ્રીમ કોર્ટે VVPAT સ્લીપ માટે આદેશ કર્યો હતો. તેનો રેન્ડમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેના કારણે રાજકીય પક્ષો અને મતદારોને ભરોસો બેસે. ચૂંટણી પંચે સુપ્રીમના આદેશનો અમલ કર્યો હતો.
સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સની (CAPFs)૨૫૦ કંપનીઓ તમામ જિલ્લા માટે રખાઇ હતી. સામાન્ય રીતે એક કંપનીમાં ૭૦થી ૮૦ જવાનો હોય છે. આ ૨૫૦માંથી ૩૬ કંપનીઓ ઇવીએમની સિક્યોરિટી માટે ફાળવવામાં આવી હતી. જ્યારે બાકીની ૨૧૪ કંપની કાયદા જાળવવા માટે ફાળવવામાં આવી હતી.
યુપી પોલીસના ૬૨૫ ગેઝેટેડ ઓફિસર, ૧૮૦૭ ઇન્સપેક્ટર્સ, ૯૫૯૮ સબ ઇન્સપેક્ટર્સ,૧૧, ૬૨૭ હેડ કોન્સટેબલ અને ૪૮, ૬૪૯ હેડ કોન્સટેબલને ફરજ પર રહેવાની જવાબદારી સોંપાઇ હતી.
ઉત્તર પ્રદેશની જેમ પંજાબમાં પણ ઉશ્કેરાટ ફેલાવતા તત્વો પર વોચ રખાઇ હતી. રાજકીય પક્ષો જ્યારે ફરિયાદ કરતા હોય છે ત્યારે પોતાના પક્ષના કાર્યકરોની ગુનાખોરી ભૂલી જતા હોય છે.
ઉત્તર પ્રદેશમાં ઇવીએમ મશીનો જ્યાં રાખવામાં આવ્યા હતા તે જગ્યા પર બસો-ત્રણસોની સંખ્યામાં સમાજવાદી પક્ષના કાર્યકરો ચોકી કરવા ગોઠવાઇ ગયા હતા. ખુદ અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે ઇવીએમ મશિનો પર વોચ રાખજો. ઇવીએમ ગરબડ થાય છે એવા આક્ષેપોની સાથે એમ કહેવાયું કે એક ટ્રક ઇવીએમ મશિનો બદલવા આવી હતી તેવા આક્ષેપોનો ખુલાસો ખુદ ચૂંટણી કમિશનરે કરવો પડયો હતો. ચાર લોકોને ત્વરીત સસ્પેન્ડ કરીને મામલો શાંત પડાયો હતો.
ભારતમાં જે હારે તે ઇવીએમનો વાંક કાઢે છે. ઇવીએમ સામે સૌથી વધુ આંગળી ઉઠાવનારે અરવિંદ કેજરીવાલે આ વખતે ઇવીએમ પર આક્ષેપ નથી કર્યો કેમકે તેમનો પક્ષ જીત્યો છે.
વર્તમાન ચૂંટણી કમિશ્નર લો પ્રોફાઇલ છે. ભારતે ટીએન શેસાન જેવા બહુ બોલકા ચૂંટણી કમિશનરો જોયા છે. વર્તમાન ચૂંટણી કમિશનર સુરેશ ચંન્દ્રાએ દરેક પક્ષના પ્રવક્તાઓ સાથે ચર્ચા કરીને પ્લાનીંગ કર્યું હતું. સૌથી મોટા અને સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં શાંતિથી ચૂંટણીઓ પસાર થાય તેની પાછળ કુશળ આયોજન હોઇ ચૂંટણી પંચની પ્રશંસા થવી જોઇએ.
Comments
Post a Comment